નવજોત સિંહ સિદ્ધુને જવું પડશે હવે એક વર્ષ સુધી જેલમાં, કોર્ટે સંભળાવી 34 વર્ષ જુના કેસમાં સજા, જાણો સમગ્ર મામલો

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જેલની સજા આકરી હશે. પંજાબ પોલીસ સિદ્ધુને કસ્ટડીમાં લેશે. આ પહેલા સિદ્ધુએ સુપ્રીમ કોર્ટને રોડ રેજ કેસમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવવાની વિનંતી કરી હતી.

રિવ્યુ પિટિશનના જવાબમાં સિદ્ધુએ કહ્યું કે આ ઘટના 33 વર્ષ પહેલા બની હતી અને પિટિશન મેન્ટેનેબલ નથી. સિદ્ધુએ પોતાની સ્વચ્છ પ્રતિષ્ઠાને ટાંકીને સુપ્રીમ કોર્ટને આ કેસમાં તેમની સજામાં ફેરફાર ન કરવા વિનંતી પણ કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 2018માં સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યારબાદ પીડિત પક્ષે આ અંગે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે 15 મે 2018ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો જેણે સિદ્ધુને રોડ રેજ કેસમાં માનવહત્યા માટે દોષિત ઠેરવ્યો હતો અને તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે સુપ્રીમ કોર્ટે સિદ્ધુને 65 વર્ષીય વરિષ્ઠ નાગરિકને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા માટે દોષી ઠેરવ્યો હતો, પરંતુ તેણે તેને જેલની સજા કરી ન હતી અને 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ભારતીય દંડ સંહિતાની કલમ 323 હેઠળ, આ ગુનાની સજા મહત્તમ એક વર્ષની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંને છે. આ મામલો ડિસેમ્બર 1988નો છે. પટિયાલામાં કારમાં જતા સમયે સિદ્ધુની ટક્કર વડીલ ગુરનામ સિંહ સાથે થઈ હતી. ગુસ્સામાં સિદ્ધુએ તેને મુક્કો માર્યો જેના પછી ગુરનામ સિંહનું મોત થઇ ગયું હતું. પટિયાલા પોલીસે સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો.

1999માં ટ્રાયલ કોર્ટે સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ પંજાબ હરિયાણા હાઈકોર્ટે 2006માં આ કેસમાં સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. સિદ્ધુ ત્યારે અમૃતસરથી ભાજપના સાંસદ હતા. સજા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. આ પછી સિદ્ધુએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Niraj Patel