“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આ શો સાથે દર્શકોની અનોખી લાગણી જોડાયેલી છે. તો આ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોની અંદર ઘણા એવા પાત્રો છે જે શો છોડીને ચાલ્યા ગયા હોવા છતાં પણ દર્શકો તેમને ભરપૂર પ્રેમ આપે છે. તો કેટલાક પાત્રો એવા પણ છે જે માત્ર આ શોને જ નહિ દુનિયાને પણ હંમેશામાં માટે અલવિદા કહીને ચાલ્યા ગયા.
થોડા વર્ષો પહેલા જ તારક મહેતામાં ડોક્ટર હાથીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા કવિ કુમાર આઝાદના નિધનથી ચાહકોને ઘણો જ આઘાત લાગ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા જ એટલે કે 3 ઓક્ટોબરના રોજ આ શોનું બીજું એક મહત્વનું પાત્ર નટુકાકાએ પણ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. જેના કારણે ચાહકોમાં પણ ઊંડો શોક વ્યાપી ગયો છે.
નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ખુબ જ અનુભવી અને ખ્યાતનામ વ્યક્તિ હતા. પોતાના અભિનયની સાથે સાથે તેમના સ્વભાવથી પણ તેઓ સૌનું દિલ જીતી લેતા હતા. તેમના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. જેમાં નટુકાકાનો પ્રેમાળ સ્વભાવ સ્પષ્ટ દેખાઈ શકે છે.
સીને ગુજરાતીના એવોર્ડ પ્રસંગનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં નટુકાકા તેમના આગવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. ઘનશ્યામ નાયક ભવાઈ સાથે સંકળાયેલા હતા અને તેમને ભવાઈની ઘણી સારી એવી સમજ પણ હતી. આ એવોર્ડ સમારંભમાં તેમને તેમના બાળપણથી લઈને આ ઉંમર સુધીના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
આ ઉપરાંત નટુકાકાનો એક બીજો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં નટુકાકા મોરારી બાપુ સાથે એક કાર્યક્રમની અંદર જોવા મળી રહ્યા છે. જેમાં તે તેમના મજાકિયા અંદાજમાં મોરારી બાપુ માટે કહેતા જોવા મળી રહ્યા છે કે, “તેમની ઉપર હનુમાન દાદાનો હાથ છે, અને હવે તેમનો હાથ મારી ઉપર છે, જેથી હવે મારે જેઠાલાલને કહેવું નહિ પડે કે શેઠજી મારો પગાર વધારો.”
View this post on Instagram
આ ઉપરાંત પણ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ઘણી તસવીરો અને વીડિયોને ચાહકો સોશિયલ મીડિયામાં શેર કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભલે આજે ઘનશ્યામ નાયક આપણી વચ્ચે નથી, પરંતુ તે તેમની એટલી અઢળક યાદો છોડીને ગયા છે જેના સહારે તે હંમેશા યાદ આવતા રહેશે. નટુકાકાને ક્યારેય ભૂલી નહિ શકાય.