IPL-2022માં ગુજરાત ટાઇટન્સ વિજેતા બનતા જ પંડ્યાને બાથમાં જકડીને ભાવુક થઇ ગઈ પત્ની નતાશા, સામે આવી હૃદયસ્પર્શી તસવીરો

IPLને પાંચ વર્ષ બાદ નવો ચેમ્પિયન મળ્યો છે. ગુજરાત ટાઇટન્સની ટીમે 15મી સિઝનની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની ટીમે વિનિંગ રન બનાવતા જ બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક દોડતી મેદાન પર આવી હતી અને તેના પતિ હાર્દિક પંડ્યાને ગળે લગાવીને ભાવુક થઈ ગઈ હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે 2016માં ટાઇટલ જીત્યું હતું. ત્યારથી 2021 સુધી ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ (2017, 2019, 2020) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (2018, 2021)ની ટીમે આ ખિતાબ પર કબજો કર્યો હતો. હવે પાંચ વર્ષ બાદ નવી ટીમ ચેમ્પિયન બની છે. ગુજરાતની આ પહેલી જ ડેબ્યુ સીઝન હતી અને પહેલી સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સે ધમાલ મચાવી દીધી.

ગયા વર્ષે જ CVC કેપિટલ દ્વારા ગુજરાતને ખરીદવામાં આવ્યું હતું. આ પછી ટીમે હરાજીમાં ઘણા મહાન ખેલાડીઓને ખરીદ્યા, પરંતુ કોઈને આશા નહોતી કે આ ટીમ ચેમ્પિયન બનશે. કાગળ પર આ ટીમ મજબૂત દેખાતી ન હતી, પરંતુ હાર્દિકના નેતૃત્વમાં ગુજરાતની ટીમે પોતાને સાબિત કરી ખિતાબ કબજે કર્યો હતો. ગુજરાતની જીતથી ખુશ નતાશાએ હાર્દિકને ગળે લગાવ્યો.

આ જીત હાર્દિકની સાથે સાથે ગુજરાત માટે પણ મહત્વની હતી. તેણે આ સિઝનમાં બેટ અને બોલથી અજાયબીઓ કરી છે. તેણે આ સિઝનમાં 15 મેચમાં 44.27ની એવરેજ અને 131.26ની સ્ટ્રાઈક રેટથી 487 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ બાદથી હાર્દિક ક્રિકેટથી દૂર હતો. ન તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો કે ન તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. હવે ક્રિકેટમાં પાછા ફરતાની સાથે જ હાર્દિકે કેપ્ટન તરીકે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

હાર્દિકનું કમબેક ધમાકેદાર રહ્યું છે. તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પણ જગ્યા બનાવી લીધી છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે હાર્દિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. સંઘર્ષ દરમિયાન હાર્દિકે પત્ની નતાશાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે હંમેશા મને સપોર્ટ કરે છે.

જ્યારે શુભમન ગીલે વિનિંગ સિક્સર ફટકારી ત્યારે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ મેદાનમાં દોડી આવ્યા હતા. તેની સાથે કેપ્ટન હાર્દિક પંડ્યા પણ મેદાનમાં હતો. થોડા સમય પછી, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ સ્ટેન્ડ પરથી મેદાન પર આવી અને તેના પતિને ગળે લગાવી.

નતાશાએ હાર્દિકને લાંબા સમય સુધી ગળે લગાવ્યો અને તે પણ ભાવુક થઈ ગઇ. નતાશા સમગ્ર IPL દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમને સતત સપોર્ટ કરી રહી છે અને લગભગ દરેક મેચમાં મેદાન પર પહોંચી છે. હાર્દિકે અંતિમ મેચમાં ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 4.20ની ઈકોનોમી પર રન આપ્યા હતા. આ તેની આઈપીએલ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.

ફાઈનલ મેચ બાદ ગુજરાતના સ્ટાર ખેલાડીઓ એકબીજા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. ગુજરાતની ટીમ IPL ચેમ્પિયન બનનાર સાતમી ટીમ છે. પતિની સફળતા બાદ નતાશા પોતાના આંસુ રોકી ન શકી. હાર્દિકે તેને થોડી ક્ષણો માટે આરામદાયક બનાવવાનો ઘણો પ્રયાસ કર્યો.

જેના બાદ પણ નતાશા હાર્દિકને ભેટીને ભાવુક થતી હોવા મળી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં હાર્દિક અને નતાશાના ચહેરા ઉપર જીતની ખુશી પણ જોવા મળી રહી છે, છેલ્લા પાંચ વર્ષથી IPLનો ખિતાબ ચેન્નાઇ અને મુંબઈ વચ્ચે જ વહેંચાતો રહેતો હતો, હવે 5 વર્ષ બાદ એક નવી વિજેતા ટીમ સામે આવી છે અને તે પણ પોતાની પહેલી જ સીઝનમાં. જેના કારણે આ જીતની ખુશી ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓમાં ખુબ જ જોવા મળી રહી છે.

Niraj Patel