રહસ્ય: દૂરથી દેખાતો આ કિલ્લો નજીક આવતા જ ગાયબ થઈ જાય છે

ભારત માત્ર મંદિરોનો દેશ નથી પણ કિલ્લાઓનો દેશ પણ છે. કારણ કે આપણા દેશમાં સેંકડો કિલ્લાઓ છે, જે દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે. આમાંના ઘણા કિલ્લાઓ સેંકડો વર્ષો જૂના છે અને આવા ઘણા કિલ્લાઓ છે, જેમના બાંધકામ વિશે કોઈ જાણતું નથી. પ્રાચીન કિલ્લાઓ હંમેશા રહસ્ય અને જિજ્ઞાસાનો વિષય રહ્યા છે. આવો જ એક કિલ્લો છે, જે ખૂબ જ રહસ્યમય છે.

હકિકતમાં અમે વાત કરી રહ્યા છીએ ગઢકુંડારના કિલ્લાની, જે ઉત્તર પ્રદેશના ઝાંસીથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલો છે. 11 મી સદીમાં બનેલો આ કિલ્લો પાંચ માળનો છે, જેમાં ઉપર ત્રણ માળ દેખાય છે, જ્યારે બે માળ જમીન નીચે છે. આ કિલ્લો ક્યારે અને કોણે બનાવ્યો તેની કોઈ નક્કર માહિતી નથી, પરંતુ એવું કહેવાય છે કે આ કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો છે. તેના પર ચંદેલો, બુંદેલો અને ખંગાર જેવા ઘણા શાસકોનું શાસન હતું.

ગઢકુંડારનો કિલ્લો સલામતીના દૃષ્ટિકોણથી બાંધવામાં આવેલો એક અનોખો નમૂનો છે, જે લોકોને ભ્રમિત કરે છે. કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે ચાર-પાંચ કિલોમીટર દૂરથી દેખાય છે, પરંતુ જેમ જેમ તેની નજીક આવીએ છીએ ત્યારે તે દેખાતો બંધ થઈ જાય છે. જે રસ્તેથી કિલ્લો દૂરથી દેખાય છે, જો તમે તે જ રસ્તેથી આવો છો, તો તે રસ્તો કિલ્લાને બદલે બીજે ક્યાંક જાય છે, જ્યારે કિલ્લામાં જવાનો બીજો રસ્તો છે.

ગઢકુંડારનો કિલ્લો ભારતના સૌથી રહસ્યમય કિલ્લાઓમાં ગણાય છે. આસપાસના લોકો જણાવે છે કે ઘણા સમય પહેલા નજીકના ગામમાં એક જાન અહીં આવી હતી. જાન આ કિલ્લાની મુલાકાત માટે અહીં આવી હતી. આસપાસ ફરતી વખતે તેઓ ભોંયરામાં ગયા, ત્યારબાદ તેઓ રહસ્યમય રીતે અચાનક ગાયબ થઈ ગયા. તે 50થી 60 લોકોનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ પછી પણ આવી કેટલીક ઘટનાઓ બની, જેના પછી કિલ્લા તરફ જતા તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.

તમને જણાવી દઈએ કે આ કિલ્લો કોઈ ચક્રવ્યૂહથી ઓછો નથી. જો કોઈ જાણકારી ન હોય, તો પછી કોઈ પણ વ્યક્તિ તેની અંદર જઈને દિશા ભૂલી શકે છે. કિલ્લાની અંદર અંધારાને કારણે તે દિવસ દરમિયાન પણ ડરામણો લાગે છે. કહેવાય છે કે કિલ્લામાં ખજાનાનું રહસ્ય પણ છુપાયેલું છે, જેને શોધવાની પ્રક્રિયામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇતિહાસ નિષ્ણાતો જણાવે છે કે અહીંના રાજાઓને સોના, હીરા અને રત્નોની કમી નહોતી. ઘણા લોકોએ અહીં ખજાનો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.

Niraj Patel