વલસાડ : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાંથી અકસ્માતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં ઘણા લોકોના જીવ જતા રહેતા હોય છે તો કેટલાક લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતા હોય છે. હાલ વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જે વલસાડના ભીલાડ નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર થયો છે.આ અકસ્માત ત્રણ વાહનો વચ્ચે સર્જાયો છે. અકસ્માતમાં જે મોતને ભેટ્યા છે તે ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય છે, તેમનું નામ મુકેશભાઇ ધોડી છે અને આ અકસ્માતમાં તેમની પત્નીનું પણ મોત નિપજ્યુ છે.

અકસ્માતમાં 4થી વધુુ લોકો ગંભીર થયા છે અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. તાલુકા પંચાયતના સભ્ય અને તેમની પત્નીનું મોત થયા પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ઘટનાની વિગત તપાસીએ તો, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ ફાટક નજીક એક કન્ટેનર પૂરઝડપે હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે તેને હંકાર્યુ જેને કારણે તેણે એક ટેમ્પોને ટક્કર મારી હતી.

ટેમ્પોને ટક્કર વાગતાં જ ટેમ્પો હાઇવેની અન્ય સાઈડમાં ફંગોળાયો જેથી મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર પસાર થતી એક લક્ઝરી સાથે અથડાયો હતો. આથી આ ત્રણ વાહનો વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોતને ભેટનાર વલસાડના ઉમરગામના તાલુકા પંચાયતના સભ્ય અને તેમની પત્ની સહિત ટેમ્પોમાં સવાર અન્ય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

મૃતક પંચાયતના સભ્ય હતા અને સાથે સાથે તેઓ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પણ ચલાવતા હતા. તેઓ મોડી રાત્રે ઓરકેસ્ટ્રાનો સામાન અને માણસને લઇને ટેમ્પોમાં સવાર હતા અને તેમની પત્ની સાથે ઘરે પરત જઇ રહ્યા હતા. આ દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો.

પોલિસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવા તજવીજ હાથ ધરી જયારે ફરાર ચાલકને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. લક્ઝરી અને ટેમ્પોમાં સવાર 4થી વધુ લોકોને ઇજા પણ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Shah Jina