દુબઇનો સૌથી મોંઘો વિલા અંબાણીનો : ઘર સાથે જોડાયેલ છે 70 મીટરનો પ્રાઇવેટ બીચ, મુંબઇ વાળું એન્ટીલિયા પણ નથી આટલું લગ્ઝરી
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એન્ટીલિયાના માલિક છે. મુંબઇ સ્થિત તેમનું આ ઘર તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. આ ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયા છે અને તે વિશ્વનું બીજું સૌથી મોંઘું ઘર છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી સાથે એન્ટિલિયામાં રહે છે.
કરોડો-અરબોની સંપત્તિના માલિક મુકેશ અંબાણીના વિશ્વના વિવિધ દેશોમાં બંગલા અને વિલા છે. પરંતુ અમે તમને મુકેશ અંબાણીના દુબઈમાં આવેલા વિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વર્ષ 2022માં દુબઈના પામ જુમેરાહમાં અંબાણીએ એક આલીશાન બંગલો ખરીદ્યો હતો. જેની કિંમત 650 કરોડ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના આ ઘરમાં 10 બેડરૂમ, 7 સ્પા અને બે સ્વિમિંગ પૂલ છે.
બે માળનો આલીશાન બંગલો 26,033 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. રીપોર્ટ અનુસાર, આ વિલા ઈટાલિયન માર્બલથી બનેલો છે. તેને શાહી કલાકૃતિઓથી શણગારવામાં આવ્યો છે અને ઘરમાં હાજર તમામ ફર્નિચર અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવ્યું છે. ઘરની ઈન્ટિરિયર ડિઝાઈન આલીશાન મહેલની જેમ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રોપર્ટી મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે.
આ વિલા સાથે 70 મીટર લાંબો પ્રાઈવેટ બીચ પણ જોડાયેલ છે. જેના કારણે અહીં રહેતા લોકો પોતાના ઘરમાં જ બીચની મજા માણી શકે છે. 10 લક્ઝરી બેડરૂમ ઉપરાંત અહીં ઇન્ડોર જીમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ પણ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અડધા ડઝનથી વધુ રમતો માટે સંસાધનો અને જગ્યા છે. આ વિલાની નજીક બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહમ અને બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાનનું ઘર પણ છે.