લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં પરિવારના સભ્યો સાથે સગા સંબંધીઓ પણ ખુબ જ ખુશ હોય છે અને બધા લગ્નમાં આવીને એકસાથે ઉત્સાહ મનાવતા હોય છે. પરંતુ પરિવારના જો કોઈ સદસ્યનું નિધન થયું હોય તો આવા સમયે પરિવારને એ વ્યક્તિની ખુબ જ યાદ પણ આવતી હોય છે અને તેમની ખોટ કોઈ પુરી કરી શકતું નથી.
ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે મૃત વ્યક્તિની પણ ખોટ પૂર્ણ કરી. આ કામ કર્યું છે અંકલેશ્વરના જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલે. જેમની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું અને હાલ તેમની બંને દીકરીઓના લગ્ન લેવાયા. ત્યારે દીકરીઓને પોતાના લગ્નમાં માતાની ખોટ સતાવી રહી હતી. જે ખોટને પૂર્ણ કરવા માટે પિયુષભાઇએ એક ઉમદા કાર્ય કર્યું.
તેમણે તેમની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક પ્રતિમા બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી દીકરીઓને અનોખો રીતે ભેટ આપી હતી. જે જોઈને દીકરીઓની આંખો પણ છલકાઈ ઉઠી હતી. આ પ્રતિમાને વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિમા જાણે એકદમ જીવંત હોય તેવી અનુભૂતિ પણ ત્યાં ઉપસ્થિત સૌ લોકોને થઇ રહી હતી.
પિતા પિયુષભાઇએ તેમની દીકરીઓ દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નમાં અનોખી ભેટ આપવાનું નક્કી કર્યું હતું. જેના કારણે તેમણે તેમની મૃત પત્ની દક્ષાબેનની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું અને આ માટે તેમણે તેમના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજાવર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદ દ્વારા વેક્સ અને સિલિકોન દ્વારા તેમની પત્નીની આબેહૂબ પ્રતિમા તૈયાર કરાવી હતી. આ પ્રતિમા બનાવવા માટે 45 દિવસનો અથાક પરિશ્રમ તેમને કર્યો.
લગ્ન સમયે આ પ્રતિમાને એક ગિફ્ટ કવરમાં સ્ટેજ પર રાખવામાં આવી હતી. જયારે બંને દીકરીઓ સ્ટેજ પર આવી ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિયુષભાઇએ પ્રતિમા પરથી પડદો ઉઠાવ્યો અને એ સાથે જ બંને દીકરીઓની આંખોમાં હર્ષના આંસુ છવાઈ ગયા. આ નજારો જોઈને લગ્નમાં હાજર મહેમાનો, સ્નેહી સ્વજનો પણ ભાવુક થઇ ગયા હતા. પ્રતિમા જોઈને એવું લાગતું હતું કે દક્ષાબેન સાચે જ સ્ટેજ પર બેઠા હોય.