ગુજરાતમાં અહીં બની હૃદય કંપાવનારી ઘટના, મધર્સ ડેના દિવસે જ બે બાળકોના માથેથી કોરોનાએ છીનવી લીધી માતાની છત્રછાયા

કોરોનાએ ઘણા પરિવારને બેઘર કરી નાખ્યા છે, ઘણા ઘરની અંદર જુવાન જોધ દીકરા દીકરીઓને કોરોના છીનવી લીધા છે તો ઘણા કિસ્સાઓમાં સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. આવો જ એક કિસ્સો દાહોદમાંથી સામે આવી રહ્યો છે જ્યાં મધર્સ ડેના દિવસે જ બે બાળકોના માથેથી માતાની છત્રછાયા ચાલી ગઈ.

જયારે એક  તરફ આખી દુનિયા મધર્સ ડેના તહેવાર ઉપર ખુશીઓ મનાવી રહી હતી, સોશિયલ મીડિયા દ્વારા પોતાની માતા પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરી રહી હતી ત્યારે દાહોદમાં એક 7 વર્ષનો બાળક માતાની ચિતાને અગ્નિદાહ આપી રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં ઝાયડસનાં કોરોના વોર્ડમાં એક યુવાન માતા કોરોના સામે હારી ગઇ હતી અને અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા સપ્તાહથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે ડોક્ટરનાં જણાવ્યા અનુસાર ઓક્સિજન લેવલ ઘટી જતા છેવટે વેન્ટિલેટર પણ તેમના શ્વાસ બચાવી શક્યું નહોતું. મધર્સ ડેનાં દિવસે તેમણે અંતિમ શ્વાસ લેતા બે બાળકોએ માતા ગુમાવી હતી.

ઝાલોદ તાલુકાના લીમડી ખાતે રહેતા પુનમબેન પંચાલ અને તેમનો સાત વર્ષીય પુત્ર અને 3 માસની બાળકી એમ ત્રણેય માતા-બાળકોને આશરે 15 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ આઇશોલેટ થયા હતા.

પરંતુ તબિયત બગડતાં બંને બાળકોને ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને પરિણીતાને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર સારવાર બાદ બાળકો સ્વસ્થ થતાં હોસ્પિટલથી રજા અપાઈ હતી.

પરંતુ પૂનમબેનની તબિયતમાં કોઈ સુધારો ના આવતા છેલ્લા અઠવાડીયાથી ઑક્સીજન લેવલ ઘટી જતાં છેલ્લે વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા, પરંતુ વેન્ટિલેટર પણ પૂનમ બેનના શ્વાસ બચાવી ન શક્યું.

અને અંતે વિશ્વ માતૃત્ત્વ દિવસે જ અંતિમ શ્વાસ લીધા અને જ્યારે મૃતદેહને દાહોદના સ્મશાને લાવવામાં આવ્યો અને સાત વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો હતા. આ ઘટના જોઈને આસપાસ રહેલા સૌ કોઈની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.

Niraj Patel