ગુજરાતમાં અહીં આંખોમાં પાણી લાવી દે તેવી ઘટના: જ્યાં દીકરાની ચિતા સળગાવી હતી એ જગ્યાએ જ મા લાકડાને બાથ ભરી સુઈ જાય છે..

આપણે ત્યાં એક કહેવત વર્ષોથી ચાલી આવે છે કે “છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ક્યારેય ના થાય.” આ કહેવતના ઘણા ઉદાહરણો પણ આપણે આસપાસ જોયા હશે. માતાના પ્રેમ વિશેની ઘણી જ વાતો લેખકો, સાહિત્યકારોએ. કવિઓએ લખી છે. પરંતુ હાલમાં તેનું એક મોટું ઉદાહરણ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળ્યું.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામમાં માતૃપ્રેમનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. આ ગામની અંદર રહેતા મંગુબેન ચૌહાણના હર્યાભર્યા પરિવારમાં પતિ શંકરભાઇનું દસ વર્ષ અગાઉ અકસ્માતમાં નિધન થઇ ગયું હતું. તેમની બે પુત્રીઓ, બે પુત્રો પૈકી દીકરીઓ અને એક દીકરાના લગ્ન થઇ ગયાં છે. સૌથી નાનો પુત્ર મહેશ ખૂબ લાડકવાયો હોઇ માતાની નજીક જ રહેતો હતો. માતાની ખૂબ જ સારસંભાળ રાખતો હતો.

પરંતુ મા-દીકરાના આ પ્રેમને કોઈની નજર લાગી ગઈ. ચાર મહિના પહેલા જુનીરોહી પાસેથી પસાર થતા રેલવે ટ્રેક નજીક દીકરા મહેશનો મૃતદેહ મળી આવ્યો. દીકરાના આમ અચાનક નિધનથી માતા પણ શોકમગ્ન બની ગઈ.

દીકરાને ખોયા બાદ માતા ચોધાર આંસુએ રડી અને પોતાના પુત્રના જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્મશાનની રાખ પાસે જઈને એક લાકડાને બાથ ભરી અને સુઈ જાય છે. ગ્રામજનોને જયારે આ વાતની ખબર પડે છે ત્યારે તે મહિલાને તેમના ઘરે પાછા મૂકી આવે છે.

Niraj Patel