હે રામ, હિંમતનગરમાં ચાલુ પંખા સાથે છત પડી, ભર ઊંઘમાં રહેલા માતા-પુત્રીના દબાઈ જતા કરુણ મોત, જુઓ અંદરની તસવીરો
Roof Suddenly Fell : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં સોમવારે રાત્રે ઘરમાં સૂઈ રહેલાં માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડ્યો અને સાથે છત પણ પડી. આ ઘટનાને પગલે માતા અને પુત્રીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે 108માં ખાનગી હોસ્પિટલ અને તે બાદ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ ફરજ પર હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા.
માં-દીકરી સૂતા હતા તે દરમિયાન છત પડી
ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસને જાણ કરાયા બાદ પોલીસે મંગળવારે સવારે સિવિલમાં પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોધ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં મુસ્તુફા મસ્જિદ રોડ પર આવેલ સર્વોદય સોસાયટી સામે રહેતા મુમતાઝબાનુ અને તેમની દીકરી બુસરાબીબી તેમજ પુત્ર મતીન રહે છે. સોમવારે રાત્રે મુમતાઝબાનુ તેમની દીકરી સાથે પંખો ચાલુ કરીને સૂઈ રહ્યા હતા તે દરમિયાન જ 11 વાગ્યા આસપાસ અચાનક ચાલુ પંખો છત સાથે પડ્યો અને આ ઘટનાને લઈને બૂમાબૂમ મચી ગઈ.
તબીબે બંનેને મૃત જાહેર કર્યા
તે પછી આજુબાજુના પડોશીઓ અને તેમના સંબંધીઓ દોડી આવ્યા અને તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢી 108માં સારવાર અર્થે ફાતેમા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. જો કે, ત્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. ત્યારે આ મામલે સિવિલ દ્વારા હિંમતનગર બી-ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી અને તે પછી પોલિસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અકસ્માતે મોતનો ગુનો નોધ્યો હતો.
છતના સળિયા કાટ ખાઈ ગયેલા જોવા મળ્યા
આ ઉપરાંત મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોનું પીએમ પણ કરવામાં આવ્યું. તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયેલા જોવા મળ્યા અને ચાલુ પંખો કાટ ખાઈ ગયેલા સળિયામાંથી ક્લેમ્પ સહિત કાટમાળ સાથે માતા-પુત્રી પર પડતા બંનેના ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મોત થયા હતા.