મોરબીના હળવદના અજીતગઢ ગામમાં એક ખેડૂતે આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેણે આર્થિક તંગીથી કંટાળીને મોતને વ્હાલુ કર્યુ છે. તેણે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી છે જેને પોલિસે કબજે કરી છે, તેમાં ખેતી કરવા માટે અને દવા લાવવા માટે પૈસા ન હોવાનુ પણ લખવામાં આવ્યુ છે.

આ બાબતે મળતી માહિતી પ્રમાણે અજીતગઢ ગામે રહેતા રમેશભાઇએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. તેમને આર્થિક મુશ્કેલીઓના કારણે આવું કર્યુ હોવાનુ પણ સામે આવ્યુ છે. હળવદ પોલિસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી ખેડૂતના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સ્યુસાઇડ નોટમાં તેમણે ખેતીમાં આવતુ નુકશાન અને આગળ કામ કરવા માટે પૈસા ન હોવાનુ તેમજ દવાના પણ પૈસા ન હોવાનુ લખ્યુ છે. આ ઉપરાંત ઘરમાં પણ ખાવાની તકલીફ હોવાનુ જણાયુ છે. તેમને બે દીકરી અને એક દીકરો છે.
આ સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યુ છે કે, હું આર્થિક તંગીને કારણે આપઘાત કરી રહ્યો છુ, આમાં કોઇનો દોષ નથી અને તેમણે તેમના બાળકોને ઉલ્લેખીને લખ્યુ છે કે, કેનીટ મને માફ કરજે, સેના મને માફ કરજે માતા પિતા મને માફ કરજો અને આ ઉપરાંત તેમણે આમાં નેની અને ક્રિસા તેમજ રસીલાનું નામ પણ લખ્યુ હતુ. તેમણે આગળ લખ્યુ હતુ કે, ભગવાન મારા બાળકની લાજ રાખજે અને તેઓનું દુખ ભૂલાવી દેજે તેમજ તેમણે એ પણ લખ્યુ હતુ કે હુ તો કાયર છુ કે તમને બધાને મૂકીને જતો રહ્યો.

ખેતીમાં નુકશાનના કારણે હવે મારી પાસે પૈસા ન હતા અને આગળ ખેતી કરવા માટે પણ પૈસા ન હતા તેમજ દવાના પણ પૈસા ન હતા. તેમણે લખ્યુ કે, અલખધણી તમારા લોકોની લાજ રાખે. તેમણે તેમના છોકરાઓને ઉલ્લેખીને કહ્યુ કે, તેઓ એકબીજાનું ધ્યાન રાખે, તેમણે કહ્યુ કે, કેનીટ તારા લાડ પૂરા ના કરી શક્યો અને તેમણે વધુમાં લખ્યુ કે, મારા જેવું દુખ અલખધણી કોઇને ના આપતો.