મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણીને તમે પણ ચોંકી જશો

30 ઓક્ટોબર રવિવારનો દિવસ મોરબી માટે કાળો દિવસ બની ગયો. જ્યાં એકબાજુ શહેર દીવાળીની ઉજવણી કરી રહ્યુ હતુ. ત્યાં રવિવારના રોજ સાંજે 6.30 વાગ્યે શહેરની શાન ગણાતો ઝૂલતો બ્રિજ તૂટી ગયો. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ પણ થયા છે. ત્યારે આ મામલે તપાસ ચાલી રહી છે. હાલમાં દુર્ઘટના બાબતે FSL રીપોર્ટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસે જજ સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. FSL રિપોર્ટમાં જે પ્રમાણેના ખુલાસા થયા છે.

તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની વાત સામે આવી છે અને માત્ર ફ્લોરિંગ અને નીચેની ટાઈલિંગ જ બદલાવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. FSLની ટીમ ઘટનાસ્થળેથી કેબલ કાપીને તપાસમાં લઇ ગઈ હતી. એ પણ ખુલાસો થયો છે કે કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો હતો અને કાટ પણ લાગેલો હતો. જો કેબલનું કામ બરાબર થયું હોત તો કદાચ આ ઘટના ના બની હોત.

દુર્ઘટના બાદ FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી, જેમાં બ્રિજના પતરા જ બદલવામાં આવ્યા હોવાનું અને બ્રિજના દોરડા તેમજ બીજુ મટિરિયલ બદલાયું ના હોવાનું સામે આવ્યુ. DYSPએ નિવેદન આપતા જણાવ્યું કે, વર્ષ 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રિપેરિંગના નામે ખાલી પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા છે. પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેક્નિકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસે નિવેદન આપ્યું છે.

જો કે એ પણ જણાવવામાં આવ્યુ હતુ કે જે મુલાકાતીઓ પુલ પર જતાં તેમને લાઈફ જેકેટ પણ આપવામાં નહોતા આવ્યા. આ ઉપરાંત એ પણ સામે આવ્યુ છે કે, તંત્રની મંજૂરી વગર જ બ્રિજ ઓરેવા કંપનીએ શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, જે આરોપીની પોલિસે ધરપકડ કરી છે તે 9 પૈકી ચાર આરોપીઓ ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના 5 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે અન્ય પાંચને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Shah Jina