ભરશિયાળે ચોમાસું ! કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

ગુજરાતમાં જામ્યુ ચોમાસુ, જાણો કયા કયા જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જગતનો તાત પણ કમોસમી વરસાદથી ચિંતામાં

શિયાળો ચાલુ થયો ત્યારથી ગુજરાતમાં માવઠા અને કમોસમી વરસાદ ચાલુ જ છે. કડકડતી ઠંડી વચ્ચે પણ હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આ મુજબ વહેલી સવારથી જ પંચમહાલ, દાહોદ અને સુરતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ અને આ સાથે કેટલાક વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદ પણ પડ્યો. જો કે, શિયાળામાં વરસાદને કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

આ ઉપરાંત ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે પંચમહાલના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. યાત્રાધામ પાવાગઢમાં વરસાદ ખાબક્યો અને વાતાવરણ પણ ધુમ્મસમય બન્યું. વહેલી સવારે ભક્તોએ વરસાદ અને ધુમ્મસ વચ્ચે માતાજીના દર્શન કર્યા.

દાહોદમાં ભરશિયાળે વરસાદી માહોલ સર્જાયો જ્યારે લીમડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકને નુકસાન પણ થયુ હતુ. દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો, સુરતના ઓલપાડનાં કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે હળવો વરસાદ પડ્યો જ્યારે ઓલપાડનાં સોંદામીઠાં, ટકારમા, ભટગામ સહીતનાં વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો.

આગામી 24 કલાકમાં ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

Shah Jina