દુનિયાભરમાં લોકોમાં ગભરાહટ મચાવી રહ્યો છે નવો “મંકીપોક્સ” રોગ, મોદી સરકારે લીધો તાબડતોબ આ નિર્ણય

વિશ્વભરમાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં ખતરનાક ખતરાની ઘંટડી વાગી છે, જ્યાં પ્રથમ વખત મંકીપોક્સના રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાયા છે. યુરોપમાં અત્યાર સુધીમાં લગભગ 100 મંકીપોક્સના દર્દીઓ મળી આવ્યા છે. આ વલણને ગંભીરતાથી લેતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તાકીદની બેઠક યોજી છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંકીપોક્સને મહામારી જાહેર કરવી જોઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી હતી.

તો વિદેશોમાં મંકીપોક્સના કેસોમાં ઉછાળા પછી, કેન્દ્ર સરકારે શુક્રવારે તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બંદરો અને જમીની સરહદો પર દેખરેખ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત આફ્રિકાથી આવતા જે પ્રવાસીઓમાં લક્ષણો  જોવા મળશે તેમના નમૂનાઓ વધુ તપાસ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં મોકલવામાં આવશે.

અત્યારે મંકીપોક્સે યુરોપના 9 દેશોમાં જોરદાર દસ્તક આપી છે. બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુકે. આ સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંકીપોક્સના વધતા કેસોએ પણ ચિંતા વધારી છે. પરંતુ આ વધતા જતા કેસોની વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે આ રોગ મહામારી નહીં બને કારણ કે તે કોરોના જેટલી ઝડપથી ફેલાતો નથી. આનાથી ચેપ લાગવો પણ સરળ નથી.

મંકીપોક્સના લક્ષણો વિશે વાત કરીએ તો ચેપ લાગ્યાના પાંચ દિવસમાં, તાવ, ગંભીર માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. મંકીપોક્સ શરૂઆતમાં ચિકનપોક્સ, ઓરી અથવા શીતળા જેવો દેખાય છે. તાવના એકથી ત્રણ દિવસ પછી તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. શરીર પર પિમ્પલ્સ દેખાય છે. હાથ, પગ, હથેળી, પગના તળિયા અને ચહેરા પર નાના પિમ્પલ્સ દેખાય છે. આ પિમ્પલ્સ ઘા જેવા દેખાય છે અને પોતાની મેળે સુકાઈને જાતે જ પડી જાય છે.

Niraj Patel