જાનથી મારી નાખવાની મળી ધમકી, IPL મેચ રમવા ના ઉતર્યો મોહમ્મદ શમી, દિલ્હી વિરૂદ્ધ પ્લેઇંગ XI માં કેમ થયો બહાર
મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી, ભાઇએ દાખલ કરાવી FIR- ઇમેઇલ મોકલી માગ્યા 1 કરોડ, ના આપવા પર હત્યાની આપી ચેતવણી
થોડા દિવસો પહેલા જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને હવે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આવી જ ધમકી મળી છે. તેને મેઇલ મળ્યો છે જેમાં 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. આવી સ્થિતિમાં, શમીને ધમકી આપનાર વ્યક્તિએ શું કહ્યું તે જાણીએ. મોહમ્મદ શમીના ભાઈ હસીબે આ ધમકીભર્યા મેઇલનો ખુલાસો કર્યો.
તેમણે જણાવ્યું કે શમીને 4 મેના રોજ બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. ત્યારબાદ FIR નોંધવામાં આવી હતી. શમીને મેઇલ મોકલનાર વ્યક્તિએ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. મોહમ્મદ શમીએ અમરોહા પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.
શમીના મોટા ભાઈએ જણાવ્યું કે- આ ધમકી રાજપૂત સિંધાર નામના મેઇલ આઈડી પરથી આવી છે. બે મેઇલ આવ્યા હતા, પહેલો મેઇલ 4 મેના રોજ સાંજે આવ્યો અને બીજો 5 મેના રોજ સવારે. મેઇલમાં આપેલ ધમકીમાં લખ્યું છે, ‘જો તમે મને 1 કરોડ રૂપિયા નહીં આપો તો હું શમીને મારી નાખીશ અને તેના શરીરને બેગમાં ભરી દઈશ. સરકાર અમને કંઈ કરી શકશે નહીં.’
ત્યારે આ મામલે અમરોહા પોલીસના સાયબર સેલે FIR નોંધી છે. જણાવી દઇએ કે, IPL 2025 માં મોહમ્મદ શમીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં તે ફક્ત 6 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શમી ચોથી મેચમાં કોઈ વિકેટ લીધા વિના પાછો ફર્યો હતો. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટે તેને બહાર રાખવાનો નિર્ણય લીધો.