PM નરેન્દ્ર મોદી પહોંચ્યા મોરબી ! હોસ્પિટલમાં જઈને ઘાયલોના પૂછ્યા ખબર અંતર

મોરબીમાં રવિવારના રોજ થયેલા ઝૂલતા પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર રાજય સહિત દેશમાં પણ પડ્યા છે. દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે મોરબી પહોંચ્યા હતા. વડાપ્રધાનની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પણ હતા. PM મોદીએ મોરબીમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી.

પીએમ આજે બપોરે 3.45 વાગ્યે મોરબી પહોંચ્યા હતા અને તે બાદ તેઓ સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા. તેમણે ઘટના સ્થળે પહોંચી નિરિક્ષણ કર્યુ હતુ. પીએમ મોદીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અને પુલની સ્થિતિ અંગેની માહિતી આપી હતી. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જણાવી દઇએ કે, આ પહેલા સોમવારે PM મોદીએ મોરબીમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબીમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન વિશે પણ પૂછપરછ કરી હતી. બીજી તરફ ભારતીય નૌકાદળ અને NDRFની ટીમોએ મંગળવારે સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરી હતી. પીએમ મોદી મોરબી અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દુર્ઘટના મામલે પોલિસે 9 લોકોની ધરપકડ કરી છે.

જો કે, પોલીસ તંત્ર દ્વારા માત્ર બ્રિજના મેનેજર, મેઈન્ટેનન્સ સંભાળનારા લોકો, ટિકિટ ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડની જ ધરપકડ કરવામાં આવી છે.જે બાદ સવાલ ઊભો થઇ રહ્યો છે કે જવાબદાર કંપનીના સંચાલકોનું શું. પોલીસે આ ઘટનામાં દિપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા, મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહણ નામના લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે કાર્યવાહી કરી પોલિસે બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. રવિવારે જ વહીવટીતંત્રની બેદરકારીના કારણે દુર્ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ અને મોરબી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.દરોડા બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની ફરિયાદમાં ઓરેવા કંપનીના સંચાલકો ગાયબ જોવા મળ્યાં હતા. ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સમગ્ર ઘટના બાદથી ગાયબ છે. તેમજ પોલીસ ફરિયાદમાં પણ ક્યાંય તેમનો ઉલ્લેખ કરાયો નથી.

Shah Jina