કોઇ પણ વ્યક્તિને લિફ્ટ આપતા પહેલા સો વાર વિચારજો ! ગાંધીનગરના વેપારી સાથે થઇ ગયો મોટો કાંડ

ગાંધીનગરના વેપારીને અડાલજથી પોતાની ગાડીમાં મુસાફરો બેસાડવા ભારે પડ્યા, એવી ભયાનક રીતે લૂંટાયા કે જાણીને હચમચી જશો

રાજયમાં ઘણીવાર લૂંટના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં ગાંધીનગરના એક વેપારીને બંધક બનાવી મહેસાણાના ઐઠોર નજીક 20 લાખ રૂપિયાની અને કારની લૂંટ ચલાવી લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા. વેપારીની કારમાં મુસાફર તરીકે બેસેલ ત્રણ લૂંટારૂઓએ વેપારીને બંદૂકની અણીએ બંધક બનાવ્યા અને ગાડીમાં રાખેલ 20 લાખની રોકડ રકમ તેમજ ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. વેપારીએ પોલિસ સ્ટેશને આ બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલિસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, એક કાર ચાલક તેમની કાર લઇને નીકળ્યા ત્યારે અડાલજ પાસેથી ત્રણ મુસાફરોને તેમણે કારમાં બેસાડ્યા, જો કે કાર ચાલક જાણતા ન હતા કે આ લોકો લૂંટારૂઓ છે. લૂંટારૂઓએ કાર શરૂ થઇ કે તેઓએ તેમનો પ્લાન બનાવી દીધો. આ કાર ચાલક ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા જિરાના કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા હતા.

અડાલજ ચોકડીથી વેપારીએ ત્રણ વ્યક્તિને લિફ્ટ આપી હતી. આ ત્રણ લૂંટારૂઓમાંનો એક આગળ બેઠો હતો અને બે પાછળની સીટ પર બેઠા હતા. તે બાદ ફતેહપુરા પાસે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિએ ઉલટી થતી હોવાનું બહાનુ કાઢી ગાડી રોકાવડાવી હતી. કાર ચાલકે જેવી જ ગાડી ઉભી રાખી કે તેને રિવોલ્વર બતાવીને લૂંટારૂઓએ બંધક બનાવ્યા હતા.

વેપારીને બંધક બનાવ્યા બાદ ગાડી ઐઠોર GIDC તરફ લઇ ગયા હતા. અવાવરૂ જગ્યાએ ગાડી ઉભી રાખીને વેપારીનું પાકીટ કાઢી લીધું અને ગાડીની ડેકીમાંથી 20 લાખ રૂપિયા ભરેલ બેગ મળતા લૂંટારૂઓએ ગાડી અને રકમ સાથે ફરાર થઇ ગયા હતા. હાલ તો પોલીસે FSL ની મદદથી તપાસ આદરી છે. જો કે, આ ઘટના 7 સપ્ટેમ્બર આસપાસની છે. ઘટના અંગે માહિતી મળતા મહેસાણા અને ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Shah Jina