આ કેવો ગરીબ ? BPL કાર્ડ લઈને રાશન લેવા માટે મર્સીડીઝ લઈને સસ્તા અનાજની દુકાનમાં પહોંચ્યો વ્યક્તિ, વીડિયો થયો વાયરલ, જુઓ

આપણા દેશમાં ગરીબ લોકો માટે આખા દેશની અંદર સસ્તા અનાજની દુકાન ચાલે છે. જ્યાં રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે, આ સસ્તા અનાજની દુકાન ઉપર સામાન લેવા જનારા મોટાભાગે ગરીબ વર્ગના લોકો હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ મર્સીડીઝ લઈને આ સસ્તા અનાજની દુકાન ઉપર સામાન લેવા માટે જાય ? નવાઈ લાગી ને ? પરંતુ હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિ મર્સીડીઝ લઈને સસ્તા અનાજની દુકાન ઉપર રાશન લેવા પહોંચ્યો.

આ ચોંકાવનારી ઘટના સામે આવી છે પંજાબના હોશિયારપુરથી. વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે ગરીબી રેખા નીચેનું કાર્ડ લઈને એક વ્યક્તિ મર્સિડીઝમાંથી સસ્તું રાશન લેવા પહોંચે છે. તે BPL કોટામાં મળવા વાળા 2 રૂપિયા કિલોના ઘઉં લઈને ગાડીની ડેકીમાં મુકતો પણ જોવા મળી રહ્યો છે. હવે આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જેણે પણ આ વીડિયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયા. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક તરફ લોકોને ભૂખ સંતોષવા માટે ભોજન નથી મળી રહ્યું તો બીજી તરફ મર્સિડીઝમાં સસ્તા રાશનની બોરીઓ લાદવામાં આવી રહી છે. જણાવી દઈએ કે બીપીએલ પરિવારોને ખૂબ જ સસ્તા દરે એટલે કે 2 રૂપિયા પ્રતિ કિલોના દરે રાશન આપવામાં આવે છે.

જ્યારે મર્સિડીઝના માણસની આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે આ તેની કાર નથી. વ્યક્તિનું કહેવું છે કે જેની પાસે મર્સિડીઝ છે તે વિદેશમાં રહે છે અને કાર તેની જગ્યાએ જ પાર્ક કરેલી હોય છે. તેણે કહ્યું કે આ ડીઝલ કાર છે તેથી તેને થોડા દિવસોમાં એકવાર સ્ટાર્ટ કરવી જરૂરી છે. આ વ્યક્તિની ઓળખ રમેશ સૈની તરીકે થઈ છે. અહેવાલો અનુસાર રમેશે કહ્યું કે તે ગરીબ છે અને તેના બાળકો પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે.

જણાવી દઈએ કે મર્સિડીઝનો નંબર પણ VVIP હતો. તે જ સમયે, જ્યારે રાશનની દુકાનના માલિકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સરકારનો આદેશ છે કે જેની પાસે બીપીએલ કાર્ડ છે તેને રાશન આપવું પડશે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે આ ઘટનામાં શું વળાંક આવે છે તે જોવાનું રહ્યું.

Niraj Patel