રાજ્યમાં વધુ એક યુવકનો હાર્ટ એટેકે લીધો જીવ, મહેસાણાના 26 વર્ષિય યુવકનો જન્મદિવસ જ બન્યો મરણદિવસ…

મહેસાણા: પુત્રને સવારે પિતાએ જન્મદિનની શુભકામના પાઠવી અને બપોર થતાં આવ્યા હાર્ટ એટેકથી મોતના સમાચાર…

ગુજરાત સમેત દેશભરમાંથી છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાઓને હાર્ટ એટેક આવતા મોતને ભેટવાના બનાવ સામે આવતા રહે છે, ત્યારે હાલમાં વધુ એક ખબર સામે આવી છે કડી તાલુકાના કુંડાળ ગામમાંથી. 26 વર્ષિય યુવકનું જન્મદિવસે જ હાર્ટ-એટેક આવતાં મોત થયુ. નાની ઉંમરમાં દીકરાના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.

26 વર્ષિય યુવકને આવ્યો હાર્ટ એટેક

કડીના કુંડાળ ગામના વતની અને હાલ કરણનગર રોડ પર આવેલા રાજદર્શન ફ્લેટમાં રહેતા ભગવતભાઈ પટેલ કે જે ખેતીવાડીનો વ્યવસાય કરે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેમનો 26 વર્ષિય પુત્ર કુંજ પટેલનો જન્મદિવસ હતો અને તેને કારણે ઘરમાં ઉત્સાહ હતો. બધાએ કુંજને જન્મદિવસની શુભકામનાઓ આપી અને તે પછી તે સવારે કલોલના ખાત્રજ સીમમાં આવેલી પ્રાઇવેટ કંપનીમાં નોકરી અર્થે ગયો.

જન્મદિવસ જ બન્યો મરણદિવસ

આ દરમિયાન જ કંપનીમાં કામ કરતાં કરતાં અચાનક જ તેને હાર્ટ-એટેક આવ્યો અને તેને પગલે તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. જો કે, તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. દીકરાના જન્મ પર પિતા ભગવતભાઈએ ફેસબુક પર ફોટો મૂકી જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી અને બપોર થતા પરિવારની ખુશીઓ ગમમાં ફેરવાઇ ગઇ.

Shah Jina