જોરદાર કડાકા ભડાકા સાથે થશે મેઘરાજાની એન્ટ્રી, અંબાલાલે કરી આ મોટી આગાહી

હાલ રાજયમાં લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે અને બસ હવે કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ પડી શકે છે. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનું આગમન ક્યારે થશે તેની લોકો રાહ જઇ રહ્યા હતા અને હવે આ રાહનો અંત જૂનના મધ્ય ભાગમાં આવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદ પડે તેની શક્યતા છે.

ત્યારે નિયમિત રીતે ચોમાસુ 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં સારા વરસાદની 3 જુલાઇના રોજ આગાહી છે. ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરવલ્લીમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 40 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં થવાની શક્યતા જણાવવામાં આવી છે. જૂન મહિનામાં ગુજરાતના કેટલા ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે અને જુલાઈ માસમાં 12 ઈંચ તેમજ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ માસ દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ સારુ રહેવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી હતી કે ગુજરાતમાં ચોમાસુ રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે. આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે. 10 જૂન સુધી મુબઇમાં પણ ચોમાસાનું આગમન થઇ જશે. સુરતની આસપાસ 15 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. સમગ્ર ગુજરાતમાં જો વરસાદની વાત કરીએ તો, 20 જૂન સુધી પડી શકે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદનું આગમન કેરળમાં વરસાદના આગમનના 15-20 દિવસમાં થતુ હોય છે. ત્યારે આ વર્ષે પણ દેશમાં સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ 4-5 દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતમાં જૂનના પ્રારંભ પહેલા જ આ વર્ષે પ્રી-મોનસૂન એક્ટિવીટી શરૂ થઇ જશે. હવામાન નિષ્ણાતોનું માનીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાનું આગમન થોડુ મોડુ થઇ શકે છે.

Shah Jina