છેલ્લા ઘણા દિવસોમાં અમરનાથ યાત્રા કે કેદારનાથ અથવા ચારધામ યાત્રા પર જઇ રહેલા ઘણા લોકોના અકસ્માતે મોત કે ભારે વરસાદને કારણે મોત કે તોફાનને કારણે મોતના સમાચાર આવ્યા છે. ત્યારે હાલ અમરનાથ દર્શનાર્થે જઇ રહેલા પાટણના એક યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયુ હતુ અને તેને કારણે તેનું ગુફાથી 10 કિ.મી. દૂર મોત થયું હતું. જોકે, ચાર યુવકો અમરનાથ દર્શનાર્થે ગયા હતા અને આ દરમિયાન પાટણનો હાર્દિક રામી ગુફાથી 10 કિમીએ હતો ત્યારે તેનું ઓક્સિજન લેવલ ઘટી જવાને કારણે શ્વાસની તકલીફ ઉભી થઇ હતી અને તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો.

તેના મોતના સમાચાર પરિવાર પાસે પહોંચતા જ પરિવાર સહિત વતનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેના મૃતદેહને સરકારની મદદથી શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફતે લાવવામાં આવ્યો હતો. જે બાદ તેની અંતિમ વિધિ વતનમાં કરવામાં આવી હતી. આ દરમિયાન આખું ગામ હિબકે ચડ્યું હતું. 15 જુલાઇના રોજ હાર્દિક રામીએ તેના મિત્રો આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ સાથે જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે બરફીલા બાબાનાં દર્શનાર્થે પ્રસ્થાન કર્યુ હતું.

ત્યારે 19 જૂલાઇના રોજ એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યે તે યાત્રાનાં માર્ગમાં હતો ત્યારે ગુફાથી 10 કિમી દૂર હાર્દિકની તબીયત બગડી હતી અને અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ ગયો હતો, જેને કારણે તે ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતો. તેને આવી હાલતમાં જોઇ આસપાસના લોકો અને અન્ય યાત્રાળુઓ પણ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તેનું મોત થઇ ગયુ હતું. ઘટનાની જાણ થતા જ પાટણથી અન્ય કેટલાક લોકો દિલ્હી થઇને અમરનાથ જવા નિકળ્યા હતા, પરંતુ તેઓને દિલ્હીમાં જ રોકાઇ જવા જણાવ્યું હતું.

ત્યારે હાર્દિકનાં દેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવતાં અહીં હોસ્પિટલમાં લઇ જતાં તેનો કબજો પોલીસે લીધો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જે બાદ તેના મૃતદેહને સુપ્રત કર્યો હતો. હાર્દિકનાં મૃતદેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે અને તેનાં મિત્રોને કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પાટણથી ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, આર.સી. પટેલ, હેમંતભાઇ તન્ના, ઉદય પટેલ વગેરેએ સી.એમ.હાઉસમાં સંપર્ક કર્યો હતો અને તે બાદ ગુજરાત સરકારનાં પ્રયાસોથી તેને વિમાનમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી.
પહેલા તેના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને પછી ત્યાંથી પાટણ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. મૃતકની પત્ની અને એક બાળકે હવે તેની છત્રછાયા ગુમાવી છે. હાર્દિકની મોતથી પરિવાર ઘણો જ દુખી છે અને પરિવાર સહિત સમગ્ર વતનમાં પણ શોકની લાગણી છવાયેલી છે.