વલસાડ : લગ્ન મંડપમાંથી કન્યાને ચઢાવવાના 23 તોલા દાગીના ગઠિયો લઇ ફરાર- CCTVમાં કેદ થઇ ઘટના

લગ્ન પ્રંસગમાં તસ્કરોથી સાવધાન:ઉમરગામના નાહુલીમાં કન્યાને ચઢાવવાના 23 તોલા દાગીના ભરેલી બેગ પરિવારજનોની નજર ચુકવી ભર મંડપમાંથી લઈને યુવક ફરાર, ઘટનાં CCTVમાં કેદ

હાલ રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને આવા પ્રસંગમાં ચોરી કરતા ગઠિયાઓ પણ એક્ટિવ થઇ જાય છે. ત્યારે હાલમાં વલસાડમાં સેંકડો મહેમાનોની હાજરીમાં એક ગઠિયો મહેમાનોની સામે જ લાખોના દાગીના ભરેલી બેગ ગઈ ફરાર થઇ ગયો. જો કે, ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. મહેમાનો માટે જે સોફા મૂકવામાં આવ્યા હતા ત્યાં બેઠેલો ગઠિયો પરિવારજનોની નજર સામે જ બેગ લઈ જતો CCTVમાં કેદ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, વલસાડના ઉમરગામના નાહુલી ગામમાં રવિવારના રોજ એક લગ્ન પ્રસંગમાં કન્યાને ચડાવવા માટે જે 23 તોલા સોનાના દાગીનાના બેગ હતી તે જ્યારે પરિવારજનો લગ્નની વિધિમાં વ્યસ્ત હતા ત્યારે એક ગઠિયો બધાની નજર ચૂકવી બેગ લઈને ફરાર થઈ ગયો. જ્યારે લગ્નની વિધિ દરમિયાન કન્યાને મંગળસૂત્ર પહેરાવાનો સમય આવ્યો ત્યારે બેગ ગાયબ થઇ જવાની ખબર પડી. તે પછી સીસીટીવી ચેક કરતા સોફામાં બેઠેલો યુવક બેગ લઈને જતો જોવા મળ્યો. CCTVમાં ચોર સૂટ બૂટમાં આવેલો જોવા મળ્યો હતો.

જણાવી દઇએ કે, બેગમાં કન્યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા અને આનું અંદાજિત વજન 23 તોલા હતુ. જેની કિંમત 7.89 લાખ રૂપિયા જેટલી થાય છે. જો કે, ઘટના બાદ ભિલાડ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી.

Shah Jina