હવામાં ટકરાયા 2 નેવી હેલિકોપ્ટર, ધમાકા સાથે બધુ ખાખ- 10 લોકોના મોત, સામે આવ્યો દર્દનાક અકસ્માતનો વીડિયો

મંગળવારે મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટરની ટક્કર થતા અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર એકબીજા સાથે ટકરાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે.

આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પ્રથમ હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યુ. મલેશિયાઇ નૌસેનાએ આ ઘટના પર નિવેદન જારી કરી કહ્યુ કે, આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર ત્રણથી પાંચ મે વચ્ચે થનાર સૈન્ય પરેડનું રિહર્સલ કરી રહ્યા હતા. આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ થઇ છે.

અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર્સ હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુટ એરબેઝ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી. પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે.

ગયા મહિને જ રેસ્ક્યુ ડ્રિલ દરમિયાન સેલાન્ગોરના પુલાઉ આંગસા પાસે મલેશિયન મેરિટાઇમ ઇન્ફોર્સમેન્ટ એજન્સીનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયુ હતુ. આ ઘટના પાંચ માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મોત થયા હતા, ગયા વર્ષે પણ મલેશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

Shah Jina