અકસ્માત બાદ મલાઇકા અરોરાની પહેલી ઝલક આવી સામે, ચાહકો તસવીર જોઇ થયા પરેશાન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી ઈન્ડસ્ટ્રીના ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સને ફોલો કરે છે અને તેમના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે અપડેટ રહેવા માંગતા હોય છે. જો તેનો ફેવરિટ સ્ટાર મુશ્કેલીમાં હોય તો તેના ફેન્સ પણ પરેશાન થઇ જતા હોય છે. મલાઈકા અરોરાના ચાહકોની પણ આવી જ હાલત છે. થોડા દિવસ પહેલા મલાઈકા અરોરાની કારનો અકસ્માત થયો હતો, જેના પછી અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અકસ્માત દરમિયાન અભિનેત્રીને માથામાં ઈજા થઈ હતી, જેના કારણે ડોક્ટરોએ તેને 24 કલાકથી વધુ સમય સુધી નિરીક્ષણ હેઠળ રાખી હતી. જોકે હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ અકસ્માત બાદ અભિનેત્રીની પહેલી ઝલક પણ સામે આવી છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે મલાઈકાની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે, મલાઇકાના માથા પર પટ્ટી બાંધેલી છે અને તે પિંક આઉટફિટમાં વ્હીલચેર પર બેઠેલી જોવા મળી રહી છે, તેની આસપાસના લોકો તેની મદદ કરતા જોવા મળે છે. મલાઈકા અરોરાના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે મલાઈકાના માથામાં ટાંકા આવ્યા છે, પરંતુ તે હવે સારી છે. તેને માથામાં વધારે ઈજા થઈ નથી.

અકસ્માત સમયે, મલાઈકા તેની રેન્જ રોવર કારમાં એક ઈવેન્ટમાંથી પરત ફરી રહી હતી અને મુંબઈ-પુણે હાઈવે પર ખાલાપુર ટોલ પ્લાઝા પાસે ટ્રાફિકને કારણે કેટલીક કાર એકબીજા સાથે અથડાઈ હતી, જેમાંથી એક મલાઈકા અરોરાની કાર પણ હતી.મલાઈકા અરોરાનો શનિવારે અકસ્માત થયો હતો. મલાઈકાના અકસ્માત વિશે જાણ્યા પછી બધા ચોંકી ગયા હતા. મલાઈકાની તબિયત હવે ઠીક છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત બાદ મલાઈકા નર્વસ હતી પરંતુ હવે તે ઠીક છે. મલાઈકાના ઘરે આવ્યા બાદ તેનો બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપૂર તેને મળવા આવ્યો હતો. અર્જુનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મલાઈકાના ઘર આગળ જોવા મળી રહ્યો છે. મલાઈકાના અકસ્માત બાદ અર્જુન કપૂર પરેશાન થઇ ગયો હતો. અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે.

Shah Jina