પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે ઉભા રહીને રીલ બનાવવું આ યુવકને પડ્યું ભારે, ટ્રેને મારી એવી ટક્કર કે વીડિયો જોઈને કમકમીયા છૂટી જશે, જુઓ

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે મોત સાથે પણ બાથ ભીડતા હોય છે. ઘણા લોકો વીડિયો બનાવવા માટે એવી એવી જગ્યાએ પહોંચી જતા હોય છે જ્યાં તેમના જીવને પણ ખતરો હોય છે. ત્યારે એવું ઘણીવાર સામે આવે છે કે વીડિયો બનાવવાના ચક્કરમાં કોઇ દુર્ઘટનાનો શિકાર થયુ હોય. હાલ પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક રેલવે ટ્રેક ઉપર ચાલુ ટ્રેન આગળ વીડિયો બનાવવા જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.

આ ચોંકાવનારી ઘટના સામે આવી છે તેલંગાણાના કાઝીપેટમાંથી. જ્યાં એક યુવાન ઝડપભેર ચાલતી ટ્રેન પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે ગયો. યુવક ચાલતી ટ્રેનને તેના બેકગ્રાઉન્ડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ સ્ટંટ દરમિયાન ટ્રેનની ટક્કરથી તે હવામાં ઉછળીને રેલવે ટ્રેક પાસે પડી ગયો હતો. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ યુવકનો વીડિયો તેનો જ એક મિત્ર બનાવી રહ્યો હતો.

ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. યુવકની ઓળખ 17 વર્ષીય અક્ષય રાજ ​​તરીકે થઈ હતી. અક્ષય વડેપલ્લીની કોલેજમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, અક્ષય તેના મિત્ર સાથે રેલવે ટ્રેક પાસે રીલ બનાવવા માટે આવ્યો હતો. જેવો મિત્રએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું કે તરત જ અક્ષય રેલવે ટ્રેક પાસે ઊભો રહ્યો. ત્યારે પાછળથી એક હાઈસ્પીડ ટ્રેન આવી. અક્ષય બિલકુલ અજાણ હતો કે આ રીલ બનાવવી તેને આટલી બધી મોંઘી પડશે.

જેવી ટ્રેન અક્ષયની નજીક પહોંચી કે તેને ટક્કર વાગી. અક્ષય એક ઝટકા સાથે રેલવે ટ્રેક પાસે પડ્યો હતો. તેને ઘણી ઈજાઓ થઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત હજુ પણ ગંભીર છે. સારવાર ચાલુ છે. તમને જણાવી દઈએ કે, ઘટના 4 સપ્ટેમ્બરની છે. રેલ્વે પોલીસ વારંવાર લોકોને રેલ્વે ટ્રેકની નજીક ન ચાલવા માટે ચેતવણી આપે છે કારણ કે તે જીવલેણ અકસ્માતો તરફ દોરી શકે છે.

Niraj Patel