મહીસાગરમાં થઈ ગ્રીષ્મા જેવી હત્યા ! એક તરફી પ્રેમમાં પાગલ થયેલા નરાધમ પ્રેમીએ પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુ મારી મોત આપ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. છેલ્લા દિવસમાં જ સુરતના પાસોદરામાંથી ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિની જાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખી હતી. જે બાદથી આ કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. તે બાદ હાલમાં જ અમદાવાદના માધુપુરામાંથી પણ આવો કેસ સામે આવ્યો હતો. જેમાં એક પ્રેમીએ પરણિત પ્રેમિકાની જાહેરમાં જ ઉપરા છાપરી છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તે બાદ હવે આવો જ કિસ્સો મહિસાગરમાંથી સામે આવ્યો છે. મહિસાગરના એક નાનકડા ગામમાં આવી ઘટના બની છે. મહીસાગરના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમીએ પ્રેમિકાને છાતીના ભાગે ચાકુના ઘા માર્યા હતા અને તેની હત્યા કરી દીધી હતી.  આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. હત્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.

ઘટનાની વિગત તપાસી તો, દુધેલા ગામની 21 વર્ષની રમીલા પરિવાર સાથે ઘઉંની કાપણી કરવા ખેતરમાં ગઈ હતી અને આ દરમિયાન જ શૈલેષ પગી કે જે તેના જ ગામનો છે તે ખેતરમાં આવ્યો હતો અને રમીલા ખેતરનું કામ પતાવી ઘરે પરત ફરી રહી ત્યારે શૈલેષે ચાકુના ઘા ઝીંકી પ્રેમ સંબંધ રાખવાનું ના કહેતી રમીલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી શૈલેષ નાસી છૂટયો હતો અને બાદમાં ઘરે જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

જો કે, આ બાબતની જાણ પોલિસને થતા તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આરોપી સ્વસ્થ થતાં તેની ધરપકડ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હત્યા પણ ગ્રીષ્માની જેમ પ્રેમ પ્રકરણમાં થઇ છે. શૈલેષ રમીલાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો અને રમીલાએ ના પાડતા તેણે રમીલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Shah Jina