આજે છે માઘ પૂર્ણિમા, સૂર્યથી લઈને શનિ સુધીના નવે નવ ગ્રહની વરસશે કૃપા

હિન્દુ શાસ્ત્રોમાં પુનમનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે. આજે 16 ફેબ્રઆરી એટલે કે માઘ પૂર્ણિમાં છે. આ દિવસ એટલા માટે ખાસ છે કે આ દિવસે નવે નવ ગ્રહોની કૃપા મેળવી શકાય છે. પૂર્ણિમાને પૂર્ણત્વની તિથિ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તિથિના સ્વામી ખુદ ચંદ્ર દેવ છે અને તેટલા માટે આ દિવસે ચંદ્ર પૂર્ણ રીતે ખીલેલો જોવા મળે છે. આ ઉપરાંત સૂર્ય અને ચંદ્રમાં સમસપ્તક હોય છે.

તો બીજી તરફ આ દિવસને લઈને એક એવી પણ માન્યતા છે કે, આ દિવસે જળ અને વાતાવરણમાં વિશેષ ઉર્જા હોય છે. તેટલા માટે જ નદીઓ અને તળાવોમાં સ્નાન કરવામાં આવે છે. જો આ દિવસે પૂજાની વાત કરીએ તો સૌ પ્રથમ પ્રાત:કાળમાં ઉઠીને સ્નાન કરતા પહેલા સંકલ્પ લો. પછી નિત્યક્રમ મુજબ સ્નાન કરો. ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરો. પછી ધોયેલા અને બની શકે તો સફેદ વસ્ત્ર પહેરો અને મંત્રનો જાપ કરો. જાપ કર્યા બાદ તમારી આર્થિક સ્થિતિ અનુસાર દાન કરો. આ દિવસે તમે પાણી અને ફળો ખાઈને ઉપવાસ પણ કરી શકો છો.

નોંધનિય છે કે, સૂર્યના કારણે હ્યદય રોગ અને અપચયની સમસ્યા રહે છે. તેનાથી બચવા માટે તમે ગોળ અને ઘઉનું દાન કરી શકો છો. આ ઉપરાંત ચંદ્રમાના કારણે માનસિક રોગ અને તણાવના યોગ બને છે. તેનાથી બચવા માટે તમે જળ, મિસરી અથવા દૂધનું દાન કરી શકો છો.

મંગળના કારણે રક્તદોષ અને મુકદ્દમાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે મસૂરની દાળનું દાન કરી શકો છો. તો બીજી તરફ બુધના કારણે ચામડી અને બુદ્ધિની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે તમે લીલા શાકભાજી અને આંબળાનું દાન કરી શકો છો.

બૃહસ્પતિ એટલે કે ગુરુના કારણે મેદસ્વિતા, પાચન તંત્ર અને લિવરની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેના નિવારણ માટે તમે કેળા, મકાઈ અને ચણાની દાળનું દાન કરી શકો છો. શુક્રના કારણે મધુમેહ અને આંખની સમસ્યા થાય છે. તેના નિવારણ માટે ઘી, માખણ અને સફેદ તલનું દાન કરી શકો છો.

તો બીજી તરફ શનિના કારણે સ્નાયુ તંત્ર અને લાંબી બીમારી થઈ શકે છે. તેનાથી બચવા માટે તમે કાળા તલ અને સરસવના તેલનું દાન કરી શકો છો. આ ઉપરાંત રાહુ કેતુના કારણે વિભિન્ન પ્રકારના રોગ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમે અનાજ, કાળા ધાબળા અને ચપ્પલ કે બુટનું દાન કરી શકો છો.

YC