...
   

મોટી દુર્ઘટના : અચાનક ટ્રેનના પ્રાઇવેટ કોચમાં લાગી ભીષણ આગ, 10 લોકો બળીને ભડથું, 50 દાઝ્યા

લખનઉથી રામેશ્વરમ જઇ રહેલી ટ્રેનમાં મદુરાઇ સ્ટેશન પર લાગી આગ, અત્યાર સુધી 10 લોકોના હતાહત થયાની ખબર

Madurai Train Fire: તમિલનાડુમાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો. મદુરાઈ સ્ટેશન પર ઉભેલી ટ્રેનના કોચમાં આગ લાગી ગઇ. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાની ખબર છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે, અન્ય કોચને કોઈ નુકસાન થયું ન હોવાનું સામે આવ્યુ છે.

ટ્રેનના પ્રાઇવેટ કોચમાં લાગી આગ
ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ટ્રેનમાં યુપીના મુસાફરોની મદદ કરવા સૂચના આપી. મદુરાઈ, જિલ્લા કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું કે આજે સવારે 5:15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના ખાનગી કોચમાં આગ લાગી હતી. કોચમાં તીર્થયાત્રીઓ હતા અને તેઓ ઉત્તર પ્રદેશથી મુસાફરી કરી રહ્યા હતા.

10 લોકોના મોત, 50 ઘાયલ
જે કોચમાં આગ લાગી એ કોચ 17 ઓગસ્ટે લખનઉથી દક્ષિણ ભારતનાં તીર્થધામો માટે ભારત ગૌરવ એક્સપ્રેસ સાથે જોડાઈને રવાના થયો હતો. આ કોચ મદુરાઈમાં બે દિવસ રહેવાનો હતો. આજે સવારે જ્યારે કોફી બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો તો સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાની ખબર છે અને 50 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.

મૃતકોને 10 લાખની જાહેરાત
દક્ષિણ રેલવેએ આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડ 5.45 વાગ્યે પહોંચી અને 7.15 વાગ્યે આગ કાબૂમાં આવી. દુર્ઘટના દરમિયાન લોકો પણ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતા. જણાવી દઇએ કે, કોચમાં આગ લાગવાનું મુખ્ય કારણ ગેસ-સિલિન્ડર છે જે ગેરકાયદે રીતે લઈ જવામાં આવી રહ્યાં હતાં.

Shah Jina