અમેરિકામાં નશાની હાલતમાં કાર ચલાવી 6 ભારતીયોના મોત નિપજાવનારા ટીનેજર કાર ચાલકને 65 વર્ષની જેલની સજા

ટેક્સાસના એક કિશોરને 2023માં થયેલા અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના છ સભ્યોના મોત માટે 65 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલ 19 વર્ષીય લ્યુક ગેરેટ રેસેકર, ઘટનાના સમયે 17 વર્ષનો હતો, વ્હીકલને ઊલ્ટી દિશામાં લઈ જતાં આ દુ:ખદ અકસ્માત થયો હતો. રીપોર્ટ અનુસાર, તે સમયે તે THC (ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ)ના પ્રભાવ હેઠળ હતો, જેની માહિતી WKRC દ્વારા આપવામાં આવી છે. THC એ કેનાબિસ (મારિજુઆના)માં જોવા મળતો મુખ્ય સાયકોએક્ટિવ તત્વ છે જે “હાઈ” થવાની લાગણી પેદા કરે છે.

આ અકસ્માત 26 ડિસેમ્બર 2023ના રોજ ટેક્સાસના ક્લેબર્નની દક્ષિણે આવેલા કાઉન્ટી રોડ 1119 નજીક યુએસ હાઇવે 67 પર બન્યો હતો. પીડિતો, જેમાં બે નાના બાળકોનો સમાવેશ થતો હતો, ગ્લેન રોઝમાં આવેલા ફોસિલ રિમ વાઇલ્ડલાઇફ સેન્ટરની પારિવારિક સફરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રેસેકરની શેવી સિલ્વેરાડો તેમની હોન્ડા ઓડિસી મિનિવાનને ટક્કર મારી હતી.મિનિવાનમાં સવાર સાત લોકોમાંથી છ જણા ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.

જેમાં મિનિવાનના ચાલક 28 વર્ષના રુશિલ બારી, કઝિન લોકેશના પત્ની નવીના પોટાબથુલા (36 વર્ષ), દીકરી નિશિધા પોટાબથુલા (10 વર્ષ), પુત્ર ક્રિથિક પોટાબથુલા (9 વર્ષ), સસરા નાગેશ્વરારાવ પોન્નાડા (64 વર્ષ) અને સાસુ સિતામહાલક્ષ્મી પોન્નાડા (60 વર્ષ) નું મોત થઈ ગયું હતું. આ કેસમાં 19 વર્ષના લ્યુક ગેરેટ રેસેકરને કોર્ટે 65 વર્ષની જેલની સજા ફટકારી છે. પરિવારમાંથી એકમાત્ર બચી ગયેલા લોકેશ પોટબાથુલાએ આ અકસ્માતમાં તેમની પત્ની, બે બાળકો, પિતરાઈ ભાઈ અને સાસુ-સસરાને ગુમાવ્યા હતા.

CBS ન્યૂઝના અહેવાલ અનુસાર, તેઓ કમરથી નીચેના ભાગમાં લકવાગ્રસ્ત થઈ ગયા છે. રેસેકરના વાહનમાં સવાર 17 વર્ષીય પ્રેસ્ટન ગ્લાસને પણ મગજની ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે માનસિક વિકાર આવી ગયો છે, જેની માહિતી પોલીસે ફેસબુક અપડેટમાં આપી હતી. તપાસકર્તાઓએ રેસેકરના ટ્રકમાંથી THC વેક્સ, વેપ પેન અને મારિજુઆના મળ્યા હતા. ત્યારબાદના ટોક્સિકોલોજી પરીક્ષણોએ અકસ્માત સમયે તેની સિસ્ટમમાં સક્રિય THCની હાજરીની પુષ્ટિ કરી હતી, જેની માહિતી ફોક્સ ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે. રેસેકર સામે શરૂઆતમાં નશામાં હત્યા, નશામાં હુમલો, નિયંત્રિત પદાર્થનો કબજો અને મારિજુઆનાના કબજાના આરોપો મૂકવામાં આવ્યા હતા.

Previous Article

બુધના વક્રી થવાથી 3 રાશિઓને ધનલાભ, 5 રાશિના જાતકોને પડકારો વચ્ચે તકના યોગ

Next Article

સૂર્ય અને યમનો શક્તિશાળી યોગ, 3 રાશિ વાળા પર વરસશે પૈસા જ પૈસા- ચમકશે કિસ્મત

error: Protected Content!