મજુરોએ દિવાલના સહારે બનાવી હતી ઝૂંપડી, અચાનક જ 2 બાળકો સહિત 9 લોકોના તડપી તડપીને મોત

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન બન્યા છે. હાલમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છો જેને કારણે કેટલીકવાર અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. લખનઉના હજરતગંજમાં શુક્રવારે ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલકુશા કોલોનીમાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે.ઘટનાની જાણ થતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કાર્યવાહી શરૂ કરી.મજૂરો દિવાલ પાસે ઝૂંપડી બાંધીને રહેતા હતા.

તમામ ઝાંસીના રહેવાસી છે. લખનઉમાં ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે 3 વાગ્યે આ મોટી દુર્ઘટના બની હતી. અહીંની દિલકુશા કોલોનીમાં દિવાલ ધરાશાયી થવાથી 9 લોકોના કચડાઈને મોત થયા હતા. 2ની હાલત ગંભીર છે, તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમ સૂર્યપાલ ગંગવારે 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકો અને ઘાયલો ઝાંસી જિલ્લાના પચવાડાના રહેવાસી છે. આ તમામ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સેનાની જૂની દિવાલનો ટેકો લઈને ઝૂંપડી બનાવી તેમાં રહેતા હતા.

તેઓ નવી બાઉન્ડ્રી વોલના બાંધકામના કામમાં રોકાયેલા હતા. ડીએમએ જણાવ્યું કે બાઉન્ડ્રી વોલ પાસે એક ઝૂંપડીમાં લોકો સૂતા હતા ત્યારે આ દુર્ઘટના બની. મોડી રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી અને ઘાયલોની હાલત ખતરાની બહાર છે. સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર આનંદ ઓઝાનું કહેવું છે કે સવારે 7 વાગ્યે 9 લોકોને લાવવામાં આવ્યા હતા, તમામ લોકોના મોત થયા હતા. આ સિવાય બે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. આર્મી કેન્ટ પાસે અકસ્માત થતાં સેનાના જવાનો પણ બચાવ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સીએમ યોગીએ અકસ્માત પર ચાંપતી નજર રાખી છે. ડીએમ અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને સારી સારવાર આપવા સૂચના આપી છે. મૃતકોમાં પપ્પુ પુત્ર ઘનશ્યામ, મનભુવન દેવી પત્ની પપ્પુ, પ્રદીપ પુત્ર પપ્પુ, રેશ્મા પત્ની પ્રદીપ, નૈના ઉર્ફે ભારતી પુત્રી પ્રદીપ, ધર્મેન્દ્ર, વીબી ચંદા પત્ની ધર્મેન્દ્ર, અને 2 બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાઘવેન્દ્ર પુત્ર કરણ અને ગોલુ પુત્ર પપ્પુ ઘાયલ છે.

Shah Jina