LPG સિલિન્ડરના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો કેટલો છે નવો ભાવ ?

LPG Cylinder Price Discount  : આજે મહિલા દિવસ છે અને સોશિયલ મીડિયાથી લઈને રિયલ લાઈફ સુધી લોકો મહિલાઓને આ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. સાથે મહિલાઓને ભેટ પણ આપી રહ્યા છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશની મહિલાઓને એક ભેટ આપી છે. મહિલાઓને મોટી ભેટ આપતા મોદી સરકારે એલપીજી ગેસના ભાવમાં હવે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ પગલું ભરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય મહિલા શક્તિનું જીવન સરળ બનાવવાનો અને કરોડો પરિવારોના આર્થિક બોજને ઓછો કરવાનો છે.

ખુદ પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

પીએમ મોદીએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયેલા ઘટાડાને તેમની સરકારની પ્રતિબદ્ધતા ગણાવી છે. તેમણે કહ્યું કે રાંધણ ગેસને વધુ સસ્તું બનાવીને, અમારો હેતુ પરિવારોની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે. આ મહિલાઓને સશક્ત બનાવવા અને તેમના માટે ‘જીવવાની સરળતા’ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

પીએમ મોદીએ પણ તમામને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે પીએમએ કહ્યું કે અમે અમારી મહિલા શક્તિની શક્તિ અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.

Pm મોદી દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ હવે દિલ્હીમાં કિંમત 903 રૂપિયાથી ઘટીને 803 રૂપિયા, ભોપાલમાં 808.50 રૂપિયા, જયપુરમાં 806.50 રૂપિયા અને પટનામાં 901 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરનો 910 રૂપિયા ભાવ હતો જે હવે 810 રૂપિયામાં મળશે.

Niraj Patel