તાજમહેલની સામે એક યુવકે બીજા યુવકને કર્યો હતો પ્રપોઝ, રજવાડી ઠાઠ-માઠ સાથે હવે બંને પુરુષો બંધાઈ ગયા જન્મો જન્મના બંધનમાં, જુઓ

એવું કહેવાય છે કે જોડીઓ ભગવાનના ઘરે જ બનતી હોય છે, બસ ધરતી ઉપર તે તેમના નિમિત્તથી જોડાતી હોય છે, થોડા વર્ષો પહેલા આપણે એક છોકરા અને છોકરીના લગ્નો જોતા હતા, પરંતુ હવે કાયદો બદલાયો છે અને ભારતમાં પણ સમલૈંગિક લગ્નને મંજૂરી મળી ગઈ છે, જેના કારણે હવે બે યુવકો અને બે યુવતીઓ પણ એકબીજા સાથે લગ્ન કરતા જોવા મળે છે.

ગત બે દિવસ પહેલા જ કોલકાત્તામાં એક ગે કપલ લગ્નના બંધનમાં બંધાયું હતુ. લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિષેક રે અને ચૈતન્ય શર્માએ એક ખાસ સમારંભમાં લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ. અભિષેક રે કોલકાતા સ્થિત ડિઝાઇનર છે.

તેણે પોતાના ખાસ મિત્ર ચૈતન્ય શર્મા સાથે શાસ્ત્રો અનુસાર મંત્રોચ્ચાર કરીને લગ્ન કર્યા. લગ્ન કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. આ લગ્નમાં સંગીત સેરેમનીથી લઈને સગાઈ અને હલ્દી તેમજ મહેંદી સુધીની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. બંને પરિવાર એક સાથે હતા અને તેઓએ ઉમળકાભેર દંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા.

ત્યારે હવે તેમની લવ સ્ટોરી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પોતાની લવ સ્ટોરી વિશે ચૈતન્યએ કહ્યું “અમે ફેસબુક પર મળ્યા હતા અને અમે છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. અભિષેકના પરિવાર અને તેના મિત્રોએ શરૂઆતથી જ આ સંબંધને ટેકો આપ્યો હતો અને મારા પરિવારમાં થોડો ખચકાટ હતો, પરંતુ તેઓ પણ ટૂંક સમયમાં આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા.”

ચૈતન્યએ આગળ કહ્યું “અમારા બંને માટે સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે મેં તાજમહેલની સામે અભિષેકને પ્રપોઝ કર્યું.” ચૈતન્યએ દેશભરમાં હાજર સમલૈંગિક યુગલોને સંદેશ પણ આપ્યો હતો. તેણે કહ્યું “અમને લાગે છે કે અમે સમાજમાં LGBTQ + ની સ્વીકૃતિ તરફ ખૂબ જ જવાબદાર પગલું ભર્યું છે. અમારા આ પગલાથી ઘણા સમલૈંગિક યુગલોને હિંમત મળી હશે. અમે LGBTQ+ સમુદાયને જે સંદેશ મોકલવા માંગીએ છીએ તે છે બહાદુર બનો, તમારું દિલ જેવું જીવવા માંગે છે તેવું જીવન જીવો અને તમારા અધિકારો માટે લડો”

પોતાના લગ્ન વિશે અભિષેકે હસતાં હસતાં કહ્યું, “એક વાર સાત ફેરા થયા પછી તે સોશિયલ મીડિયામાં વિસ્ફોટ જેવું હતું”. સુંદર સફેદ ફૂલોથી શણગારેલા સ્ટેજ પર રત્નોથી જડેલી ક્રીમ રંગની શેરવાની અને ધોતી કુર્તા પહેરેલા કપલના ફોટોગ્રાફ્સ, તરત જ ફેસબુક અને અનેક સોશિયલ મીડિયા ઉપર તેમની તસવીરો શેર થવા લાગી.

Niraj Patel