‘દીકરી હોય તો રોહિણી જેવી’ લાલુ પ્રસાદ યાદવની દીકરી પર નેતાઓને થઇ રહ્યો છે ગર્વ, જાણો વિગત

કિડની ડોનેટ કરી આદર્શ દીકરીની મિસાલ બની લાલુ પ્રસાદની દીકરી, વિપક્ષી પણ ખૂબ કરી રહ્યા છે પ્રશંશા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બિહારના આ ફાયરબ્રાન્ડ નેતાની સર્જરીની રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા છે અને વિરોધ પક્ષોના નેતાઓ પણ પુત્રી રોહિણી આચાર્યના વખાણ કરી રહ્યા છે. રોહિણીએ તેના પિતાને કિડની દાન કરી છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે ટ્વિટ કર્યું, “બેટી હો તો રોહિણી જૈસી, તમારા પર ગર્વ છે…

તમે આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ બનશો.” બીજેપી સાંસદ ડૉ.નિશિકાંત દુબેએ પણ ટ્વિટ કર્યું કે, ‘ભગવાને મને દીકરી નથી આપી, આજે રોહિણી આચાર્યને જોઈને હું ખરેખર ભગવાન સાથે લડવા માંગુ છું, મારી દાદી હંમેશા કહેતી હતી કે, ‘બેટા સે બેટી ભલી જો કુલવંતી હો’. સોમવારે લાલુના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પિતાના સફળ ઓપરેશનની જાણકારી આપી હતી.

સફળ સર્જરી બાદ લાલુ અને તેમની પુત્રી બંને હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યા છે. સોમવારે સામે આવેલી એક તસવીરમાં તેજસ્વી સાથે રાબડી દેવી પણ હોસ્પિટલમાં જોવા મળી હતી. આરજેડી ચીફની પુત્રી મીસા ભારતીએ પણ સર્જરી બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. સાથે જ લખ્યું કે, ‘પાપાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ થયા બાદ તેમને ઓપરેશન થિયેટરમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ડોનેર મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના અને આશીર્વાદ બદલ આભાર. તેણે તેના પિતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો.હાલમાં રોહિણી આચાર્યના પિતાને કિડની દાન કરવા બદલ ખૂબ વખાણ થઈ રહ્યા છે. 1 જૂન 1979ના રોજ જન્મેલી રોહિણી આચાર્ય પોતે પણ ડૉક્ટર છે. વર્ષ 2002માં તેના લગ્ન સોફ્ટવેર એન્જિનિયર અને લાલુ યાદવના કોલેજ મિત્ર રાય રણવિજય સિંહના પુત્ર શમશેર સિંહ સાથે થયા.

આ બંને હાલમાં તેમના બે પુત્રો અને એક પુત્રી સાથે સિંગાપોરમાં રહે છે. પિતા માટે કિડની દાન કરવા બદલ પ્રશંસા મેળવી રહેલી રોહિણી આચાર્ય આ પહેલા સોશિયલ મીડિયા પર ભાજપ સામે મોરચો ખોલીને હેડલાઈન્સ બનાવી ચૂકી છે. વર્ષ 2021માં જ્યારે લાલુ પ્રસાદ યાદવ ગંભીર રીતે બીમાર હતા, ત્યારે રોહિણીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે તેના પિતાના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા માટે રમઝાનમાં રોજા રાખશે.

આ સાથે જ તેણે પોતાના વૃદ્ધ પિતા માટે એવું બલિદાન આપ્યું, જેની વિપક્ષો પણ પ્રશંસા કરી રહ્યા છે. રોહિણી આચાર્યએ 5 ડિસેમ્બરે સર્જરી પહેલા ટ્વીટર પર લખ્યું, ‘રૉક એન્ડ રોલ માટે તૈયાર, મને શુભેચ્છાઓ’ પિતા અને બહેનની તબિયત અંગે અપડેટ આપતાં તેમના ભાઈ તેજસ્વી યાદવે કહ્યું હતું કે સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ બંનેની તબિયત સારી છે.

Shah Jina