લાહોરના અનારકલી બજારમાં થયો બ્લાસ્ટ, બાઇકમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો બોમ્બ, 4ના મોત-20 ઘાયલ

હાલ જ સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે. ગુરુવાર બપોરના રોજ લાહોરના ઐતિહાસિક અને પ્રખ્યાત અનારકલી માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ચારેક લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. મોટાભાગના ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, આ બજારમાં ખૂબ ભીડ હોય છે અને અહીં પાર્કિંગની કોઈ સુવિધા નથી. અહી અવ્યવસ્થિત ટ્રાફિક વચ્ચે એક બાઇક પાર્ક કરવામાં આવી હતી. તેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) લગાવવામાં આવ્યું હતું.

લાહોર પોલીસના પ્રવક્તાએ મીડિયા વાતચીતમાં જણાવ્યું હતુ કે,  ઘટના ગુરુવારે બપોરે બની હતી. તે સમયે અનારકલી માર્કેટમાં ઘણી ભીડ હતી. અહીં લોકો સામાન્ય રીતે તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરે છે. જ્યાંથી લોકો પસાર થવા માટે મુખ્ય માર્ગ હતો તે જ માર્ગ પર એક બાઇક પાર્ક કરવામાં આવી હતી. તેમાં IED પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. તેમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે ત્યારે મૃત્યુઆંક 3 કહ્યો હતો પરંતુ કેટલાક રીપોર્ટ અનુસાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા છે. તેમાંથી મોટાભાગનાની હાલત ગંભીર છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જોતા એવું લાગી રહ્યુ છે કે મૃત્યુઆંક વધી શકે છે.

આ ઘટનાની અત્યાર સુધી કોઈ આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી, પરંતુ સીધી અને પ્રથમ શંકા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP પર છે. પાકિસ્તાન સરકાર અને TTP વચ્ચે યુદ્ધવિરામ કરાર ગયા મહિને સમાપ્ત થઈ ગયો. ત્યારબાદ TTP એ ધમકી આપી હતી કે તે હવે પાકિસ્તાન સરકારને અરીસો બતાવશે. TTPના મોટા ભાગના નેતાઓ અને આતંકવાદીઓ આ દિવસોમાં અફઘાનિસ્તાનમાં છે. અફઘાન તાલિબાને પાકિસ્તાન સરકારને ટીટીપી સાથે વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવા કહ્યું હતું. અફઘાન તાલિબાને આ બાબતને પાકિસ્તાનનો આંતરિક વિવાદ ગણાવી દખલગીરી કે મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લાહોર પંજાબ પ્રાંતનું એક શહેર છે. મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી વિભાગને સોંપવામાં આવી છે. બુઝદારે આ મામલે પોલીસ પાસેથી 24 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો છે. એવું માનવામાં આવે છે કે શહેરના અન્ય ભાગોમાં પણ આવા હુમલા થઈ શકે છે. તેથી સેનાની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તૈનાત કરવામાં આવી છે.

Shah Jina