ધોરાજીમાં 24 વર્ષની ગર્ભવતી મહિલાને 9માં મહિને આવી આંચકી, હોસ્પિટલમાં કરી એડમિટ.. પરંતુ 3 દિવસ બાદ થઇ બ્રેઈન ડેડ… પરિવારે અંગદાન કરીને મહેકાવી માનવતા

Krishnaben Hirpara organ donation : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરી સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં અવાર નવાર અંગદાનના મામલાઓ સામે આવતા હોય છે, ત્યારે અન્ય શહેરોમાં પણ હવે અંગદાનને લઈને લોકો જગૃત થયા છે અને પરિવાર દ્વારા અંગદાન કરીને કેટલાય લોકોને નવજીવન પણ આપવામાં આવે છે. ત્યારે હાલ પવિત્ર અધિકમાસ ચાલી રહ્યો છે અને આ મહિનો પણ દાન અને પુણ્યનો માનવામાં આવૅ છે. ત્યારે ધોરાજીના એક પરિવારે પોતાની પુત્રવધુ બ્રેઈન ડેડ થતા અંગદાન કરીને માનવતા મહેકાવી છે.

બ્રેઈન ડેડ થયા હતા ક્રિષ્નાબેન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા 24 વર્ષીય ક્રિષ્નાબેન હિરપરા 9 મહિનાના ગર્ભવતી હતી, ત્યારે પરિવારમાં પણ તેને લઈને ખુશીનો માહોલ હતો, પરંતુ અચાનક તેમને બે આંચકી આવતા જ સારવાર માટે જુનાગઢની ખાનગી લિબર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર આકાશ પટોરીયાએ ક્રિષ્નાબેનનું હૃદય ધબકતું બંધ થઇ જતા તેમની ટીમ દ્વારા CPR આપીને હૃદયને ફરી શરૂ કરવામાં આવ્યું અને તેમના ગર્ભમાં રહેલા બાળકની સીઝીરીયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ બાળક મૃત જન્મ્યું હતું.

પરિવારને સમજાવ્યું અંગદાનનું મહત્વ :

જેના બાદ ક્રિષ્નાબેનનું હૃદય ધબકતા તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા અને ત્રણ દિવસ સુધી તેમની સારવાર પણ કરવામાં આવી, પરંતુ ગતરોજ તેમની તબિયત વધુ બગડી હતી અને જેના બાદ તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેના બાદ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. પરિવારને સમજાવવામાં આવ્યું કે હજુ ક્રિષ્નાબેનની ઉંમર ઓછી છે જેથી તેમના અંગદાનથી અન્ય લોકોને પણ નવજીવન મળી શકે છે.

અધિકમાસમાં અંગદાન કરીને મહેકાવી માનવતા :

જેના બાદ પરિવારે અંગદાનનું મહત્વ સમજ્યું અને કહ્યું કે “પહેલાથી જ અમે બે જિંદગી ખોઈ ચુક્યા છે અને જો ક્રિષ્નાના અંગદાનથી પાંચ લોકોની જિંદગી બચતી હોય તો અંગદાન કરવા અમે તૈયાર છીએ.” જેના બાદ અંગદાનની કાર્યવાહી હાથ ધરતા ક્રિષ્નાબેનની બે કિડની અને લીવર અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. આ રીતે પવિત્ર અધિકમાસમાં ક્રિષ્નાબેનના અંગદાન દ્વારા લોકોને નવજીવન મળ્યું.

Niraj Patel