15 વર્ષની ઉંમરે આ છોકરીએ સ્કૂલ યુનિફોર્મ પહેરી ગાયુ હતુ ગીત, 35 વર્ષની ઉંમરે જ થયુ મોત પણ 5 મહિના પછી થઇ શક્યા અંતિમ સંસ્કાર- જાણો સિંગરની દર્દનાક કહાની

35 વર્ષની ઉંમરે મોત, પતિ આપતો હતો સ્લો પોઇઝન, મોત બાદ પણ 5 મહિના સુધી અંતિમ સંસ્કાર – ,વિચિત્ર સ્ટોરી

‘આપ જૈસા કોઇ મેરી ઝિંદગી મેં આયે તો…’ આ ગીત આજે પણ ઘણા લોકોના મનમાં હશે. વર્ષ 1980માં જ્યારે દિગ્દર્શક ફિરોઝ ખાનની ફિલ્મ ‘કુર્બાની’નું આ ગીત હિટ થયું ત્યારે આખા ભારતમાં તેની ચર્ચા થવા લાગી હતી. લોકોને આશ્ચર્ય થયું કે તે પાકિસ્તાનની પોપસ્ટાર નાઝિયા હસને ગાયું હતું. નાઝિયાના અવાજ પર જ નહીં, તેની ઉંમર સાંભળીને પણ લોકો દંગ રહી ગયા હતા. તે સમયે નાઝિયા માત્ર 15 વર્ષની હતી અને આટલી નાની ઉંમરે તેણે આ હિટ ગીત ગાયુ હતું. હાલમાં જ 3 એપ્રિલે નાઝિયાનો જન્મદિવસ હતો અને તે સમયે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો પણ ઘણી સામે આવી.

જણાવી દઇએ કે, નાઝિયા પોપ સિંગર હતી. ફિરોઝ ખાને જ નાઝિયાને બોલિવૂડમાં લોન્ચ કરી હતી. ફિરોઝ ખાને નાઝિયાને પહેલીવાર લંડનમાં એક પાર્ટી દરમિયાન સાંભળી હતી. તેમને નાઝિયાનો અવાજ એટલો ગમ્યો કે તેમણે નાઝિયાને પોતાની ફિલ્મ ‘કુર્બાની’માં ગાવાની તક આપી. આ સમયે નાઝિયા માત્ર 15 વર્ષની હતી. ફિલ્મ ‘કુર્બાની’માં ફિરોઝ ખાન, વિનોદ ખન્ના, ઝીનત અમાન, અમજદ ખાન, અમરીશ પુરી અને શક્તિ કપૂર જેવા સ્ટાર્સ હતા. પરંતુ આ ફિલ્મની સફળતાનો મોટો શ્રેય પાકિસ્તાની ગાયિકા નાઝિયાને જાય છે.

આ ગીત વર્ષોથી ડિસ્કો અને ત્યાંથી બહાર આવ્યા પછી લોકોની સામાન્ય પાર્ટીઓમાં સૌથી વધુ પસંદ કરાયેલ ગીત બન્યુ હતુ. આ ગીત માટે તેને બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આટલું જ નહીં આ પછી નાઝિયાને ઘણી ફિલ્મોની ઓફર પણ કરવામાં આવી હતી. પરંતુ તેણે દરેકને ના કહ્યું કારણ કે તેને ફિલ્મો કરવામાં રસ નહોતો. નાઝિયાએ માત્ર 10 વર્ષની ઉંમરે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેનું પહેલું આલ્બમ ‘ડિસ્કો દીવાને’ હતું જે સુપરહિટ બન્યું હતું. નાઝિયાએ તેની ટૂંકી ગાયકી કારકિર્દીમાં બૂમ-બૂમ, યંગ તરંગ, હોટલાઇન, કેમેરા કેમેરા સહિત અનેક ગીતો ગાયા.

આ સિવાય નાઝિયા પોતે ગીતો લખતી પણ હતી. નાઝિયાની ફિલ્મી સફર શાનદાર રહી હતી અને તેણે ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ કમાઈ લીધું હતું. રાજ કપૂર નાઝિયાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેને અભિનેત્રી તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવવાનું નક્કી કર્યું અને બ્લેન્ક ચેક સાથે ફિલ્મની ઓફર કરી પણ નાઝિયાએ ના પાડી. માત્ર રાજ કપૂર જ નહીં ઘણા સફળ પ્રોડક્શન હાઉસે પણ તેને ઑફર કરી હતી. નાઝિયાના પરિવારમાં ગ્લેમર વર્લ્ડને ખરાબ માનવામાં આવતું ન હતું, પરંતુ શિક્ષણ માટે તે વધુ મહત્વનું હતું.

અમેરિકન સ્કૂલમાંથી સ્નાતક થયા પછી નાઝિયાએ લંડનમાંથી કાયદાની ડિગ્રી મેળવી. નાઝિયાએ તેના ભાઈ સાથે મળીને અનેક આલ્બમ્સ બહાર પાડ્યા. નાઝિયાના અંગત જીવન વિશે વાત કરીએ તો તે ખૂબ જ પીડાદાયક રહ્યુ. 30 માર્ચ 1995ના રોજ નાઝિયાના લગ્ન કરાચીના બિઝનેસમેન ઈશ્તિયાક બેગ સાથે થયા હતા. બંનેને 1997માં એક પુત્ર થયો. થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. એવું કહેવાયુ હતુ કે, નાઝિયાના પતિનું એક પાકિસ્તાની અભિનેત્રી સાથે અફેર હતું, અને આ વાત જ્યારે નાઝિયાને ખબર પડી તો તેણે વાંધો ઉઠાવ્યો. પછી તેના પતિએ નાઝિયા સાથે મારપીટ શરૂ કરી.

એવું પણ સામે આવ્યુ હતુ કે, નાઝિયા પહેલા તેના પતિ ઈશ્તિયાકે બે લગ્ન કર્યા હતા અને તેને પહેલી પત્નીથી એક પુત્ર પણ હતો. ઇશ્તિયાકે નાઝિયા અને તેના પરિવારથી તેના બંને લગ્ન છુપાવ્યા હતા. વર્ષ 2000માં આપેલા છેલ્લા ઈન્ટરવ્યુમાં નાઝિયાએ તેના પતિની મારપીટ અને અત્યાચાર વિશે ખુલીને વાત કરી હતી. પતિના જુલમથી પીડાતી નાઝિયાને એક દિવસ ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે, ત્યારે તે લગભગ 30 વર્ષની હતી. ઇશ્તિયાકે તેની સારવાર કરાવવાનો ઇનકાર કર્યો હતો.

નાઝિયાના ભાઈએ પણ જણાવ્યું હતું કે ઈશ્તિયાકે નાઝિયાને બંદી બનાવી હતી. પતિથી પરેશાન થઈને નાઝિયાએ વર્ષ 2000માં જ તેને છૂટાછેડા આપી દીધા અને તેના માતા-પિતા સાથે રહેવા લાગી. નાઝિયાની સારવાર પણ તેના પરિવાર દ્વારા જ કરવામાં આવી. ત્યારે સારવાર દરમિયાન નાઝિયાએ નિવેદન આપ્યું હતું કે ઈશ્તિયાક તેને સ્લો પોઈઝન આપી રહ્યો હતો, જેના કારણે તેના શરીરના અંગો ખરાબ થવા લાગ્યા હતા. 10 ઓગસ્ટ 2000ના રોજ નાઝિયાની સ્થિતિ વધુ ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને પછી નાઝિયાએ માત્ર 35 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી. ઉલ્લેખનીય છે કે, નાઝિયાના મોત બાદ તેનું પીએમ થયું હતું અને વકીલ દ્વારા નાઝિયાનું છેલ્લું નિવેદન લીધા પછી લંડન પોલીસે નાઝિયાનું ફરીથી શબપરીક્ષણ કરાવ્યું.

આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ માટે નોર્થ વેસ્ટ લંડન પોલીસે નાઝિયાના માતા-પિતાનું ગોલ્ડર્સ ગ્રીન ખાતેનું ઘર અને તેના પતિનું ઘર જપ્ત કર્યું હતું અને ફોરેન્સિક ટીમ દ્વારા બંને ગૃહોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ હતી.થોડા મહિનાઓ પછી યુકેએ એક તપાસ અહેવાલ બહાર પાડ્યો અને તેમાં સ્કોટલેન્ડ યાર્ડના જાસૂસો અનુસાર નાઝિયાના મોતનું કારણ ફેફસાનું કેન્સર હોવાનું જણાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યુ કે આ કુદરતી મૃત્યુ છે. 13 ઓગસ્ટના રોજ નાઝિયાના મોત બાદ તેના મૃતદેહને 5 મહિના સુધી લંડનના શબઘરમાં રાખવામાં આવ્યો હતો અને આખરે 5 મહિના પછી 9 જાન્યુઆરી 2001ના રોજ તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો અને તે બાદ તેના અંતિમ સંસ્કાર લંડનના હેન્ડન કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા.

Shah Jina