એલિસબ્રિજમાં કિન્નર બની ઠગે કર્યો મોટો ‘કાંડ’, દુ:ખ દૂર કરવાની લાલચ આપી કિન્નરે…
Kinnar stole jewelery ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. તેમાં પણ લોકોને અંધશ્રદ્ધાના ભ્રમમાં રાખીને હજારો, લાખો રૂપિયા સાથે સાથે ઘરેણાં પણ પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે ઘણીવાર લોકો ભુવા કે કોઈ તાંત્રિકના માયાજાળમાં ફસાઈને છેતરામણીનો ભોગ બનતા હોય છે.
ત્યારે હાલ તાજો જ મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કિન્નર મહિલાના દુઃખ દૂર કરવાના નામ પર તેની પાસેથી રોકડ અને દાગીના પડાવી રફુચક્કર થઇ ગયો. આ ઘટના સામે આવી છે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી. ત્યારે આ મામલે અમદાવાદ એલિસબ્રિજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કિન્નરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 14 એપ્રિલના રોજ તે અને તેમના સાસુ ઘરમાં એકલા હતા. આ દરમિયાન એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો. કિન્નરને પૈસા આપતા તેને લેવાની ના પાડી તેથી મહિલાએ તેને ચા પીને જવા માટે કહ્યું અને ઘરમાં બેસાડ્યો. આ દરમિયાન મહિલાએ વાતચીતમાં કિન્નરને પોતાના ઘરમાં હાલ બહુ તકલીફ હોવાનું જણાવ્યું.
જેના બાદ કિન્નરે જણાવ્યું કે આ તકલીફ દૂર કરવા માટે તમારે વિધિ કરવી પડશે. તેથી ઘરનો દરવાજો બંધ કરી દો અને એક ગ્લાસમાં પાણી, કંકુ અને ચોખા નાખીને આપો. આ ગ્લાસથી તેને આખા ઘરમાં ફરીને ઘરની નજર ઉતારી દીધી છે અને પછી પાણી પોતે જ પી ગયો અને કહ્યું કે તમારા બધા દુઃખ ચાલ્યા ગયા છે.
જેના બાદ કિન્નરે મહિલા પાસે ઘીના પૈસા માંગતા મહિલાએ 1100 રૂપિયા આપ્યા, પરંતુ કિન્નરે તેમની પરીક્ષા કરતો હોઈ એમ કહીને ફક્ત 1 રૂપિયો લઈને મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો. જેના બાદ કિન્નરે મહિલાને 32 હજાર રૂપિયા મંદિરમાં મુકવા માટે કહ્યું અને આ પૈસા માતાજી પાછળ જ વાપરવા માટે જણાવ્યું.
મહિલાએ જણાવ્યું કે તેની પાસે આટલા પૈસા ઘરમાં નથી. પરંતુ કિન્નરે કહ્યું કે જ્યાં હાથ નાખશો ત્યાં રૂપિયા નીકળશે અને રૂમાલમાં 4 હજાર રૂપિયા તિજોરીમાં મૂકી દીધા હતા અને મહિલાને તેમાં ત્રણ સોનાના દાગીના મુકવા કહ્યું અને તેને દૂધમાં ધોઈને પહેરવા કહ્યું, જેના બાદ તેની વિધિ કરવાનું પણ કહેતા મહિલા 45,000ની કિંમતના ત્રણ દાગીના રૂમાલમાં મુક્યા.
રૂમાલમાં દાગીના મૂકીને કિન્નરે એ રૂમાલ પોતાની બેગમાં રાખી લીધો અને 2 કલાકમાં વિધિ કરીને પાછો આવું, તમે જમવાનું બનાવી રાખો. એમ કહીને ઘરમાંથી નીકળી ગયો હતો. પરંતુ કિન્નર પાછો ના આવતા અને મહિલાને છેતરાયા હોવાનું જ્ઞાત થતા જ તેને પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે.