‘કૌન બનેગા કરોડપતિ 14’ની પહેલી કરોડપતિ બની હાઉસવાઇફ કવિતા, પરંતુ જીતવાથી ચૂકી ગઇ 7.5 કરોડનો જેકપોટ

કવિતા ચાવલા ના આપી શકી 7.5 કરોડ રૂપિયાના સવાલનો જવાબ, બની KBC 14ની પહેલી કરોડપતિ

કૌન બનેગા કરોડપતિ 14ને આ સિઝનની પહેલી કરોડપતિ મળી ગઇ છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરની હાઉસવાઇફ કવિતા ચાવલાએ 1 કરોડ રૂપિયા જીત્યા છે. આ સમયે દરેક જગ્યાએ કવિતાની ચર્ચા થઈ રહી છે. 12મું પાસ કવિતાએ KBCમાં 1 કરોડ રૂપિયા જીતીને લોકો માટે એક દાખલો બેસાડ્યો છે. 12મું પાસ કવિતાએ શો કૌન બનેગા કરોડપતિમાં પોતાની હોશિયારીથી એવી શાનદાર ભૂમિકા ભજવી કે અમિતાભ બચ્ચન પણ તેના ફેન બની ગયા. સોશિયલ મીડિયા પર કવિતા ટ્રેન્ડ કરી રહી છે.

પરંતુ શું તમે જાણો છો કે કવિતા ગયા વર્ષે ક્વિઝ શોમાં જોવા મળી હતી, પરંતુ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર ન કરવાને કારણે તે હોટ સીટ સુધી પહોંચી શકી નહોતી. કવિતાએ પોતાના નવા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે હોટ સીટ પર ન પહોંચી શકવા પર ઘણા લોકોએ તેને ટોણા માર્યા હતા. લોકો કવિતાની મજાક ઉડાવતા અને કહેતા કે તે કરોડપતિ બની ગઈ. કવિતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે 2021માં જ્યારે તે ખાલી હાથે ઘરે ગઈ ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું, તે શોમાં તેની સીટ પર બેસીને રડવા લાગી હતી.

ત્યારે અમિતાભ બચ્ચન તેમની પાસે ગયા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કવિતાએ કહ્યું કે અમિતાભના શબ્દો તેના મગજમાં ફરી રહ્યા હતા અને તેમના કારણે આ વર્ષે ફરીથી શોમાં ભાગ લેવાનું તેણે નક્કી કર્યું. કવિતા ચાવલાએ ત્રણ લાઈફલાઈનનો સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો અને 1 કરોડ રૂપિયાની રકમ જીતી. જો કે, કવિતા 7.5 કરોડ રૂપિયાના જેકપોટ પ્રશ્નનો જવાબ આપી શકી ન હતી. જેના કારણે તેને રમત છોડવી પડી હતી. અમિતાભ બચ્ચને કવિતા ચાવલાને 7.5 કરોડ રૂપિયાનો સ્પોર્ટ્સ સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો.

પ્રશ્ન એ હતો કે, પ્રથમ કક્ષાના ડેબ્યૂમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ગુંડપ્પા વિશ્વનાથે કઈ ટીમ સામે આ સિદ્ધિ હાંસલ કરી? A) સેવાઓ B) આંધ્ર C) મહારાષ્ટ્ર D) સૌરાષ્ટ્ર. જેનો સાચો જવાબ હતો B) આંધ્ર. કવિતા ચાવલા ઇચ્છતી તો આ પ્રશ્ન માટે જોખમ ઉઠાવી શકી હોત, પરંતુ તેણે આમ ન કરવાનું યોગ્ય માન્યું. આ વિશે કવિતા ચાવલાએ ‘આજ તક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને 7.5 કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલો પ્રશ્ન પુરુષ ક્રિકેટ સાથે સંબંધિત હતો અને તેને ક્રિકેટમાં ક્યારેય રસ નહોતો. કવિતા ચાવલાએ જણાવ્યું કે આ કારણથી તેને આ પ્રશ્ન છોડવો પડ્યો તેનો તેને અફસોસ છે.

જો કે, કવિતા ખુશ છે કે તેણે એવા પ્રશ્ન માટે જોખમ ન લીધું જેનો જવાબ તે જાણતી ન હતી. બીજી તરફ, કવિતા ચાવલા એક કરોડના પ્રશ્નનો જવાબ આપીને પ્રથમ કરોડપતિ બની હતી. તેનો 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન હતો કે, અવકાશયાનમાં ચંદ્ર પર જઈને પૃથ્વી પર પાછા ફરનાર નીચેનામાંથી કયું પ્રાણી પ્રથમ હતું? વિકલ્પ: A) ઉંદર B) સસલું C) કાચબો D) ચિમ્પાન્ઝી… આ પ્રશ્ને કવિતા ચાવલાને મૂંઝવણમાં મૂકી દીધી. જો કે, આ સવાલ સુધી તેની પાસે લાઇફલાઇન બાકી હતી.

જવાબ આપવા માટે, તેણે પહેલા પ્રેક્ષકોના મતદાનની લાઇફલાઇન લીધી. પરંતુ તે ખૂબ મદદ કરી નહિ. પછી કવિતા ચાવલાએ બાકીની લાઈફલાઈન ‘વીડિયો કોલ અ ફ્રેન્ડ’નો ઉપયોગ કર્યો. આની મદદથી કવિતાએ એક કરોડના સવાલનો સાચો જવાબ આપ્યો. જેનો જવાબ હતો- C) કાચબા. કવિતા ચાવલા છેલ્લા 20-22 વર્ષથી કૌન બનેગા કરોડપતિમાં આવવાનું સપનું જોઈ રહી હતી જે હવે પૂર્ણ થઈ ગયુ છે. માત્ર તેનું સપનું જ નહિ પરંતુ તે આ શોના આ સિઝનની પહેલી કરોડપતિ પણ બની ગઇ છે.

Shah Jina