2001ના KBC જુનિયરમાં 1 કરોડ રૂપિયા જીતનાર આ બાળક હવે ગુજરાતના આ શહેરમાં છે SP, કઠોર મહેનતથી બન્યા IPS અધિકારી

અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ગેમ શો “કૌન બનેગા કરોડપતિ”એ ઘણા લોકોના જીવનમાં નવો વળાંક આપ્યો છે. આ ગેમ શોમાં જીતેલી રકમથી તેમને એક આગવી ઓળખ પણ મળી. શોના સેટ પરથી ઘણી રસપ્રદ કહાનીઓ બહાર આવી છે. આવી જ એક કહાની હાલમાં ચર્ચામાં છે.

2001માં KBCની સ્પેશિયલ સંસ્કરણ KBC જુનિયર આવ્યું હતું. જેમાં 14 વર્ષના રવિ મોહન સૈનીએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબ આપીને એક કરોડની ઈનામી રકમ જીતી હતી. આ વાતને લગભગ બે દાયકા જેટલો સમય થઈ ગયો અને હવે એ બાળકે આઈપીએસ બનીને એસપીનું પોસ્ટિંગ લીધું છે.

જ્યારે રવિ સૈની દસમા ધોરણમાં હતા ત્યારે તેમણે પહેલીવાર “કૌન બનેગા કરોડપતિ જુનિયર”માં ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા કૌન બનેગા કરોડપતિમાં રવિએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબો આપ્યા અને રૂ .1 કરોડની મોટી રકમ જીતી લીધી હતી. ત્યારબાદ રવિએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમના પિતાના પગલે યુનિફોર્મની પસંદગી કરી હતી.

ડૉ.રવિ મોહન સૈનીની ઉંમર હાલમાં લગભગ 33 વર્ષની છે. તેઓ ગુજરાતના પોરબંદરમાં એસપી તરીકે જોડાયા છે. અગાઉ તેઓ રાજકોટ શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ડૉ. સૈનીએ જણાવ્યું કે તેમણે જયપુરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું છે.”

તેમને આગળ જણાવ્યું કે, “એમબીબીએસ પછી, તેઓ તેમની ઇન્ટર્નશિપ દરમિયાન સિવિલ સર્વિસીસમાં પસંદગી પામ્યા. તેમના પિતા નેવીમાં હોવાથી તેઓ તેમનાથી પ્રભાવિત થયા અને આઈપીએસની પસંદગી કરી.ડૉ. સૈની 2014માં ભારતીય પોલીસ સેવા માટે પસંદગી પામ્યા હતા. તેમણે ઓલ ઈન્ડિયા લેવલ પર 461મો રેન્ક મેળવ્યો હતો.

ડો. રવિ મોહન સૈનીએ પોતાની નવી ભૂમિકા વિશે જણાવ્યું કે કોવિડ 19ને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં લોકડાઉનનું પાલન કરવું તેમની પ્રાથમિકતા છે. પોરબંદરમાં તેમના કાર્યોથી જાહેર જનતા પણ ખુબ જ ખુશ છે. કોરોના  સમયમાં પણ તેમને ખુબ જ ઉમદા કામગીરી કરી હતી.

પોરબંદરના એસપી એવા ડો. રવિ મોહન સૈનીની કહાની આજે ઘણા યુવાનો માટે પ્રેરણા સમાન છે, 14 વર્ષની ઉંમરમાં જ તેમને કેબીસીમાં ભાગ લઈને 1 કરોડ રૂપિયાની રકમ જીતીને એક આગવી ઓળખ ઉભી કરી હતી, જેના બાદ હવે તેઓ આઇપીએસ અધિકારી બનીને સામે આવ્યા છે ત્યારે લોકો પણ તેમની સફળતાનાં ઉદાહરણો આપી રહ્યા છે.

Niraj Patel