દુઃખદ: વધુ એક દિગ્ગજનું થયું નિધન…બીમારી વિશે જાણીને ફેન્સમાં મચી ગયો હાહાકાર

પોતાના કથક નૃત્ય માટે ભારત અને વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. 83 વર્ષીય બિરજુ મહારાજનું હાર્ટ એટેકના કારણે નિધન થયુ હતુ. મીડિયા રીપોર્ટ અનુસાર, બિરજુ મહારાજ રવિવારે મોડી રાત્રે તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા. આ પછી તેમના સંબંધીઓ તેમને દિલ્હીના સાકેતની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. તેઓ થોડા દિવસો પહેલા કિડનીની સમસ્યામાંથી સાજા થયા હતા અને હાલમાં ડાયાલિસિસ પર હતા. પંડિત બિરજુ મહારાજના નિધનથી ભારતીય કલા જગતે પોતાનો એક અનોખો કલાકાર ગુમાવ્યો છે.

બિરજુ મહારાજ, જેઓ પંડિતજી અને મહારાજજી તરીકે જાણીતા હતા, તેઓ દેશના ટોચના કથક નર્તકોમાંના એક ગણાય છે. બિરજુ મહારાજને કથક નૃત્ય દ્વારા સામાજિક સંદેશ આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધન પર કલા જગતની ઘણી મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજના અવસાનના સમાચારથી સંગીતપ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડી અને તેઓ બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક સાકેતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું નિધન થઇ ચૂક્યુ હતુ.

તેમના પરિવારજનોએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા મહારાજને કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેની સારવાર ચાલી રહી હતી. ગાયિકા માલિની અવસ્થી અને અદનાન સામી સહિત કલા, ફિલ્મ અને સંગીત જગતની વિવિધ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. બિરજુ મહારાજ કથકના પર્યાય હતા. તેઓ લખનૌના કાલકા બિન્દાદિન ઘરાનાના સભ્ય હતા. બિરજુ મહારાજનું પૂરું નામ બ્રિજ મોહન નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1937ના રોજ લખનઉના પ્રખ્યાત કથક નૃત્યાંગના પરિવારમાં થયો હતો. લખનઉ ઘરાના સાથે જોડાયેલા, બિરજુ મહારાજ કથક નૃત્યાંગના તેમજ શાસ્ત્રીય ગાયક હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા.

પંડિત બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યા હતા. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. બિરજુ મહારાજે દેવદાસ, ડેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રવ મસ્તાની જેવી ફિલ્મો માટે નૃત્ય રચનાઓ કરી હતી. આ સિવાય તેમણે સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં પણ સંગીત આપ્યું હતું. ફિલ્મ ‘વિશ્વરૂપમ’માં તેમના ડાન્સ કમ્પોઝિશન માટે તેમને 2012માં નેશનલ ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 2016માં તેમને બાજીરાવ મસ્તાનીના ગીત મોહે રંગ દો લાલ માટે કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Shah Jina