રસોઈ

મસ્ત મજેદાર કાશ્મીરી પુલાવ બનાવો, નોંધી લો રેસિપી – ખુબ જ સ્વાદિષ્ટ – મજા પડી જશે

વેજ પુલાવ, પનીર પુલાવ, શાહી પુલાવ, મશરૂમ પુલાવ, કોર્ન પુલાવ, પાલક રાઈસ, જીરા રાઈસ વગેરે રાઈસ ની વાનગીઓ તમે ખૂબ જ ખાધી હશે. અને તેનો આનંદ પણ માણ્યો હશે. કારણ કે રાઈસ છે જ એવી વાનગી કે તેને જુદી-જુદી રીતે ખાવા ની મજા પડે. ક્યારેક પનીર સાથે તો ક્યારેક મિક્સ વેજીટેબલ સાથે. એમ ભી આપણાં ગુજરાતીઓ ને દાળ, શાક, રોટલી જમી લીધા પછી છેલ્લે રાઈસ ખાવા જોઈએ નહીં તો જમવા નો આનંદ ના આવે. તો આજે અમે એવી એક નવીન, મસ્ત, મજેદાર, અને સ્વાદિષ્ટ રાઈસ ની વાનગી લઈ ને આવ્યા છીએ. ચાલો તો ફટાફટ નોંધી લો આ કાશ્મીરી પુલાવ ની લિજ્જત દાર વાનગી ને.

કાશ્મીરી પુલાવ બનાવવા માટે સામગ્રી

 • બાસમતી  રાઈસ – 1 કપ (200 ગ્રામ)
 • ઘી – 2-3 મોટા ચમચા
 • કોથમીર – 2-3 મોટી ચમચી (ઝીણી સમારેલી)
 • લીલા મરચાં – 2 (લાંબા સમારેલા)
 • આદું – 1 ઇંચ (લાંબુ પાતળુ સમારેલા)
 • આદું ની પેસ્ટ – 1 નાની ચમચી
 • કિશમિશ – 3 મોટા ચમચા
 • કાજુ- 3 મોટા ચમચા
 • બદામ – 3 મોટા ચમચા
 • પિસ્તા – 10-12
 • સૌફ પાઉડર – 1 નાની ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર
 • કાશ્મીરી લાલ મરચા નો પાઉડર  – ¼ નાની ચમચી
 • જીરું – ½ નાની ચમચી
 • મોટી એલચી – 2
 • લવિંગ – 4
 • મરી (તીખા) – 8-10
 • તેજ પત્તા – 2

કાશ્મીરી પુલાવ બનાવવા ની રીત

 • સૌપ્રથમ રાઈસ ને ખૂબ સારી રીતે ધોઈ ને અડધી કલાક માટે પાણી માં પલાળી ને મૂકી દો, અડધી કલાક પછી તેમાથી વધારા નું પાણી કાઢી નાખો.
 • હવે એક બદામ લઈ તેના 6 થી 7 કટકા થાય એ રીતે તેને લંબાઈ માં સમારી લો. આવી જ રીતે એક કાજુ ના 3 થી 4 કટકા થાય એ રીતે સમારી લો. આમ જ પિસ્તા ને પણ ખૂબ ઝીણા સમારી ને તૈયાર કરી લો. કિશમિશ માથી ડીટિયા કાઢી તેને સાફ કપડાં થી લૂછી લો. આ રીતે કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ ને સમારી ને તૈયાર રાખો.
 • હવે એક જાડા વાસણ માં ઘી નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકો. ઘી ગરમ થઈ ગયા પછી તેમાં જીરું નાખો અને તળી લો, આ જીરું બરાબર તળાઈ જાય પછી તેમાં સાબૂત મસાલો અને તેજ પત્તા નાખી થોડી વાર માટે તળી લો. ત્યાર બાદ તેમાં સમારેલું આદું અને આદું ની પેસ્ટ, લીલા મરચાં, અને સમારેલો સૂકો મેવો નાખો, અને તેને તળી લો. આ બધી વસ્તુ સારી રીતે તળાઈ જાય અને તેમાથી ખૂબ જ મસ્ત સુગંધ આવવા લાગે ત્યારે તેમાં સૌફ પાઉડર, રાઈસ, મીઠું, અને લાલ મરચાં નો પાઉડર નાખી 2 મિનિટ માટે હલાવી બધુ મિક્સ કરતાં કરતાં તળી લો.
 • હવે રાઈસ માં 2 કપ પાણી નાખી તેને મિક્સ કરી લો, પછી તેને  ઢાંકી 5 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો. 5 મિનિટ પછી ચેક કરો અને હળવા હાથે હલાવો,જેથી કરી ને રાઈસ નો ચુદો ના થઈ જાય. અને હવે ફરી થી 5 મિનિટ માટે ચડવા મૂકી દો, ફરી પાછું ચેક કરીને ઢાંકણું ઢાંકી દો.
 • હવે રાઇસને 3 મિનિટ માટે ચડવા દો. રાઈસ ને ચેક કરો, આમ હવે રાઈસ ચડી ગયા હોય તો ગેસ બંધ કરી દો અને રાઈસ ને 10 થી 15 મિનિટ માટે ઢાંકેલા રાખો. ત્યાર બાદ પુલાવ ને એક પ્લેટ માં કાઢી તેના પર કોથમીર અને સૂકો મેવો  નાખી સજાવી લો. અને બધા ને પીરસો.

કાશ્મીરી રાઈસ બનાવવા ની બીજી રીત

કાશ્મીરી રાઈસ ને પહેલા આપણે એકસાથે બધો મસાલો નાખી તેને ઘી માં તળી પછી રાઈસ નાખ્યા અને પછી તેને ચડવા દીધા. આ બધુ મિશ્ર એકસાથે ચડે છે. પરંતુ જો તમે ઈચ્છો તો પહેલા રાઈસ ને ધોઈ તેને પાણી માં અડધી કલાક માટે પલાળી દો. હવે પાણીને ગેસ પર ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર રાઈસ ને ચડવા માટે મૂકી દો અને ઢાંકી દો. 5 મિનિટ માટે ચડવા દો પછી ચેક કરો, જો રાઈસ કાચા લાગે તો ફરી 5 મિનિટ માટે ચડવા મૂકી દો.આમ રાઈસ ચડી જાય પછી તેને ગેસ પર થી ઉતારી તેમાનું ઓસામણ કાઢી લો.

ત્યાર બાદ એક વાસણ લઈ તેમાં ઘી નાખી બધો મસાલો વારા ફરતી નાખી તેને તળો અને સારી રીતે ચડવા દો અને  મિક્સ કરી લો. હવે બધુ મિક્સ થઈ ગયા પછી છેલ્લે ચડેલા રાઈસ નાખી મિક્સ કરી લો. આમ કાશ્મીરી રાઈસ ને આ રીતે પણ બનાવી શકાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ