રાજપૂત સમાજમાં છવાયો શોકનો માહોલ… કરણી સેનાનો પાયો નાખનારા લોકેન્દ્ર સિંહ કાલવીનું આ કારણે થયું નિધન..

“પદ્માવત” ફિલ્મના વિરોધને લઈને ચર્ચામાં આવેલા કરણી સેનાના સંસ્થાપકે આ દુનિયાને હંમેશા માટે કહ્યું અલવિદા, જુઓ કેવું હતું તેમનું જીવન

ગુજરાત સમેત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોના નિધન પણ થઇ ચુક્યા છે. હાર્ટ એટેકના કારણે કેટલાક દિગ્ગજોના પણ નિધન થયા છે. હાલ થોડા દિવસ પહેલા જ અભિનેતા સતીશ કૌશિકનું પણ હાર્ટ એટેકમાં નિધન થયું. ત્યારે હાલ વધુ એક હાર્ટ એટેકની ખબરે લોકોને શોકમાં ડુબાડી દીધા છે.

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. લોકેન્દ્ર સિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા. જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી તેમનું નિધન થયું છે. કાલવી એક સારા નિશાનેબાજ હતા જ્યારે તે ભરચક સભાઓમાં જુસ્સાદાર ભાષણો આપતા ત્યારે સમર્થકો ભાવુક થઈ જતા. લોકેન્દ્ર સિંહ રાણી પદ્મિનીની 37મી પેઢીના હોવાનો દાવો કરે છે.

કાલવી ઊંચા કદના સારા બાસ્કેટબોલ ખેલાડી હતા. સતી આંદોલનમાં સક્રિય રહેલા કાલવી ઘણીવાર કહેતા હતા કે તે પહેલા રાજપૂત છે અને પછી રાજકારણી છે. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધનના સમાચાર મળતાં જ તેમના સમર્થકો હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા હતા. તેમના મૃતદેહને નાગૌર જિલ્લાના તેમના વતન ગામ કાલવી લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બપોરે 2.15 કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવવાની હતી. આ પહેલા તેમના સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ આપશે.

લોકેન્દ્ર સિંહનો જન્મ નાગૌર જિલ્લાના કાલવી ગામમાં થયો હતો. તેમને રાજકારણ વારસામાં મળ્યું હતું. તેમના પિતા કલ્યાણ સિંહ કાલવી રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના નજીકના ગણાતા હતા. લોકેન્દ્ર સિંહે અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો.  કાલવીએ નાગૌરથી લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો.

આ પછી 1998માં કાલવીએ ભાજપની ટિકિટ પર બાડમેર લોકસભાથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં પણ તેમની હાર થઈ હતી. લોકેન્દ્ર સિંહે 2003માં અનામતના મુદ્દે સામાજિક ન્યાય મંચની રચના કરી હતી. જેના કારણે તેમણે ભાજપના મોટા નેતાઓ સાથે પણ સંપર્ક કર્યો હતો. ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને જનતા દળના નેતાઓ સાથે પણ તેમનો સારો સંપર્ક હતો. તેઓ થોડો સમય કોંગ્રેસમાં પણ હતા.

Niraj Patel