અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહના અવસર પર રામલલાના અભિષેકમાં ભાગ લેવા દેશભરમાંથી અનેક હસ્તીઓ પહોંચી છે. આ સ્ટાર્સમાં એક નામ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું પણ છે, જે અયોધ્યા પહોંચતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો સતત શેર કરી રહી છે. કંગના અયોધ્યામાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લઈ રહી છે. કંગના અહીં જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
અભિનેત્રીએ પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને તેના પરિસરમાં સફાઈ કરતી પણ જોવા મળી હતી. કંગના બાગેશ્વર ધામ સરકાર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ મળી હતી. ત્યારે બાબા બાગેશ્વર સાથે મુલાકાત બાદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બાગેશ્વર બાબા સાથેનો એક ફોટો શેર કર્યો છે.
આ ફોટો શેર કરતા તેણે લખ્યુ- તે ભાઇની જેમ તેમને ગળે લગાવવા માગતી હતી, પણ એ વિચારતા ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા કે તે ગુરુ છે અને ગુરુની કોઇ ઉંમર નથી હોતી. કંગનાએ ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું, ‘પહેલીવાર પોતાની ઉંમર કરતા નાના ગુરુજીને મળી, તે મારાથી લગભગ 10 વર્ષ નાના છે, મને નાના ભાઈની જેમ તેમને ગળે લગાડવાનું મન થયું, પણ પછી વિચાર્યુ કે વ્યક્તિ ઉંમરથી નહીં પણ કર્મથી ગુરુ બને છે, મેં ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. જય બજરંગબલી.’
જણાવી દઇએ કે, કંગના રનૌત આ દરમિયાન ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રામની ભક્તિમાં લીન થઈને તે ઋષિ-મુનિઓ સાથેના ઘણા ફોટા પણ શેર કરી રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક વીડિયો પણ શેર કર્યા છે, જેમાં કેટલીક ક્લિપ્સમાં તે કૈલાશનંદ મહારાજના ઉપદેશ સાંભળતી જોવા મળે છે.