અમદાવાદની આ મહિલાએ શરૂ કર્યો શાર્ક ટેન્ક જેવો ગુજરાતી રિયાલિટી શો ‘કલ કે કરોડપતિ’, સુનીલ શેટ્ટી પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટમાં અમદાવાદ આવ્યા

વાહ વાહ, ખુબ સરસ…અમદાવાદની આ ગુજ્જુ મહિલાએ `કલ કે કરોડપતિ` થકી સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં કરી નવી પહેલ

સ્ટાર્ટઅપ, આ શબ્દ આમ તો સોહામણો લાગે પણ જે સ્ટાર્ટઅપ કરતું હોય તેને ખબર પડે કે સ્ટાર્ટઅપ કરતાં કેટલા વીસે સો થાય. એવા જ એક મહિલા ઉદ્યમી છે અમદાવાદના અલકા ગોર કે જેઓ પોતાના સ્ટાર્ટઅપ માટે ફંડની શોધમાં હતા. અમુક એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફર્મનો તેમણે ફંડ મેળવવા માટે સંપર્ક કર્યો. પરંતુ દરેક વખતે કોઇને કોઈ કારણસર તેમને નિરાશા મળી.

તેમણે વિચાર્યું કે મારા જેવા કેટલાય લોકો બિઝનેસના નવા આઇડિયા લઇને ઇન્વેસ્ટર્સ પાસે જતા હશે પણ જો આવા યુવા ઉદ્યમીઓ માટે એક સારું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવે તો તેમને ફંડ મળવાની સાથે મેન્ટરશીપ પણ મળી રહે. તો બસ આ વિચાર સાથે જન્મ થયો સ્ટાર્ટઅપ શો ‘કલ કે કરોડપતિ’નો. અલકાબેન હાલ અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં રહે છે અને તેમણે 2005 માં એમએ બી.એડ. નો અભ્યાસ કર્યો છે અને આ પછી હિંમતનગરની એક ખાનગી શાળામાં 4 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી.

સંજોગ વર્ષ 2020માં અમદાવાદ આવવાનું થયું પણ જીવનમાં કંઈક નવું કરવું હોય તો સંઘર્ષ અને પરિશ્રમ કરવો જરૂરી છે. આ વિચારધારાને અનુલક્ષી તેમણે 2022માં ફૂડનો બિઝનેસ શરૂ કર્યો. તેમના આ બિઝનેસનો વ્યાપ ધીમે ધીમે વધ્યો પણ ફંડની વ્યવસ્થા ન થઈ શકી.અલકાબહેનને પહેલેથી સોની ટીવી પર પ્રસારિત થતો શો શાર્ક ટેન્ક જોવાનો ખૂબ શોખ હતો.

અમદાવાદના વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજા પણ આવા જ એક પ્રકારનો શો બનાવવાનું વિચારી રહ્યા હતા અને એક કોમન મિત્રની મદદથી અલકાબેન ગોર અને મિલાપસિંહની મુલાકાત થઇ. બંનેએ આ શોનું નિર્માણ કરવાનું નક્કી કર્યું અને તેમને મળ્યો બોલિવુડ એક્ટર સુનિલ શેટ્ટીનો સાથ. આ શોનો પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટ અમદાવાદમાં યોજાયો હતો અને સુનીલ શેટ્ટીએ પણ આ દરમિયાન હાજરી આપી હતી.

જણાવી દઇએ કે, કલ કે કરોડતિ એક અનોખો રિયાલિટી શો છે, જે હિંદી ભાષામાં બન્યો છે અને તેનું પ્રસારણ નેશનલ ટેલિવિઝન પર ટૂંક સમયમાં થશે. આ શૉનું પ્રથમ ચેપ્ટર કે એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોને ધ્યાનમાં રાખી શો બનાવવાની તૈયારી ચાલી રહી છે. શોના કો-પ્રોડ્યુસર અલકા ગોરે શોની ગુણવત્તા તેમ જ સફળતા વિશે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું, “ગુજરાતમાં આવો અનોખો અને અવ્વલ શો બન્યો છે એ સાત કરોડ ગુજરાતીઓ માટે, આખા દેશ માટે ગૌરવની બાબત છે. આશાસ્પદ બિઝનેસ માટે આ શો આવશ્યક ભંડોળ મેળવીને આગેકૂચ કરવાનું કામ આસાન કરી આપશે. મને ખાતરી છે કે આ શો પોતાના ક્ષેત્રમાં દેશના એક સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થશે.

‘કલ કે કરોડપતિ’ના ઉપક્રમે શોના આગમન પહેલાં જ સ્ટાર્ટઅપ્સને રૂપિયા 15 કરોડ જેટલી માતબર રકમ વિવિધ વેપાર માટે ફાળવી દેવામાં આવી છે.”આ પ્રકારના અન્ય શોઝથી સદંતર જુદું અને મનોરંજક માળખું ‘કલ કે કરોડપતિ’નું છે. પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ અને વિચારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. એમાંથી 27 મૌલિક આઇડિયાઝ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શોમાં ઝળકવાની તક આપવામાં આવી હતી.

તમામને રોકાણકારોની પેનલ સમક્ષ પોતાના બિઝનેસની ખાસિયતો અને એના ઉજળા ભવિષ્યની રજૂઆત કરવાની તક પ્રદાન કરવામાં આવી હતી.એ માટે દરેકને ત્રણ મિનિટની લાઇવ પીચનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો. આ શો વિશે વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજાએ કહ્યું કે, “કલ કે કરોડપતિ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમ જ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવશે.”

Shah Jina