કડીમાં 18 વર્ષીય એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત, વધુ એક યુવાને ગુમાવ્યો જીવ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દિવસેને દિવસે હાર્ટ-એટેકથી થતા મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આધેડ અને વૃદ્ધની સાથે સાથે યુવા અને કિશોરવયના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. હજુ તો થોડા દિવસો પહેલાં જ કડીના કુંડાળ ગામના અને કરણનગર રોડ પર રહેતા યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું મોત થયું હતું.
ત્યારે હાલમાં ફરી એકવાર કડીમાં 18 વર્ષીય વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા ચકચારી મચી ગઇ છે. એકના એક દીકરાનું મોત થતા પરિવાર માથે આભ ફાટી પડ્યુ છે. કડી નગરપાલિકાના સામે આવેલ જય રણછોડ સોસાયટીમાં રહેતા અને મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ મિસ્ત્રીનો 18 વર્ષનો દીકરો સંકેત મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અશોકભાઈ પરિવાર સાથે લગ્નપ્રસંગમાં અમદાવાદ ખાતે ગયા હતા અને સંકેત કડી ઘરે જ હતો.
ત્યારે મંગળવારે સવારે તે કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયો અને સાંજે પેપર આપી ઘરે પરત ફર્યો હતો. આ સમયે મિત્રો સાથે તે સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા પર બેઠો હતો અને એકાએક જ તેને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. બંને મિત્રો વાતચીત કરી રહ્યા હતા અને એકાએક જ સંકેત મિત્રના ખભા પર ઢળી પડ્યો. જો કે, તેને સ્થાનિકો અને આડોશપડોશમાં રહેતા રહીશો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ડોક્ટરે સારવાર પણ આપી. પરંતુ તેનું હૃદય બંધ થઈ જતાં તે મોતને ભેટ્યો હતો.