ગુજરાતી ફિલ્મો હવે બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. નવા કન્સેપ્ટ, સ્ટોરી લાઇન અને ટ્રેન્ડ મુદ્દાઓને બરાબર રીતે આગળ લાવીને મજબૂત મેસેજ પણ આપતી જોવા મળે છે. ત્યારે 3 ડિસેમ્બર શુક્રવારના રોજ રિલીઝ થયેલી ‘કાશી રાઘવ’ ફિલ્માં શું ખાસ છે ? તો ચાલી જાણીએ રિવ્યૂ…
આ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મ દરમિયાન જયેશ મોરેની એન્ટ્રી પડે, ત્યારે થિયેટરમાં તાળીઓ પડે છે, સીટી વાગે છે. એટલે કે જયેશ મોરે આખી ફિલ્મમાં મજા કરાવે છે તો દીક્ષા જોશીએ પણ જબરજસ્ત મહેનત કરી છે, બંગાળી એક્સેન્ટને પકડી છે. શ્રૃહદ ગોસ્વામી પણ પોતાનું પાત્ર સુપેરે નિભાવી ગયા છે.
ફિલ્મ સ્ટોરી અને સ્ક્રીનપ્લે :
ફિલ્મની વાર્તા ત્રણ મુખ્ય પાત્રોને અનુલક્ષીને બનાવવમાં આવી છે. જેમાં, દિક્ષા જોશી-કાશી એક વેશ્યા, જયેશ મોરે-રાઘવ, પિહુશ્રી ગઢવી-શોભિતા. ધ્રુવ ગોસ્વામી દ્વારા લખાયેલી આ વાર્તા સમાજમાં બનતી ઘટનાને જીવિત કરે છે.
એક્ટિંગ અને કલાકારો :
દિક્ષા જોશી, જયેશ મોરે, પિહુશ્રી ગઢવી, શ્રુહાદ ગોસ્વામી, પ્રિતી દાસ-કિન્નર, કલ્પના ગાગડેકર, સૌરભ સારશ્વત, ભરત ઠક્કર, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે.
ટેકનિકલ પાસાંઓ :
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરેની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી, બાંગ્લા અને હિન્દી એમ ત્રણ ભાષાઓનો ત્રિવેણીસંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે.
મ્યુઝિક :
વત્સલ ગોસ્વામી અને કવન ભટ્ટે આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. મહત્વની વાત એ પણ છે કે, આ ફિલ્મમાં પહેલી વખત પ્રખ્યાત હિન્દી સિંગર જુબિન નૌટિયાલના અવાજમાં ગુજરાતી ગીત સાંભળવા મળશે. આ ફિલ્માં રેખા ભારદ્વાજે પણ એક હાંલરડું ગાયું છે.
ડાયરેક્ટર અને પ્રોડ્યુસર :
આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ જતન પંડ્યા અને જ્હાન્વી ચોપરા દ્વારા સહ-લિખિત છે. ધ્રુવ ગોસ્વામી તેમજ ધનપાલ શાહે પ્રથમ વાર ફિલ્મ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે.
ફિલ્મ રિવ્યૂ :
ફિલ્મ ‘કાશી રાઘવ’ એક સામાજિક સંદેશ આપે છે. જેમાં, દિક્ષા પહેલી વખત આ ફિલ્મમાં એક સેક્સ વર્કરનો રોલ કરી રહી છે, જે પોતાની ખોવાઈ ગયેલી દિકરીને શોધે છે. તેની એક સંઘર્ષભરી કહાની છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એકદમ મજબૂત છે. જે તમને છેલ્લે સુધી ફિલ્મ જોવા માટે જકડી રાખે છે. ફિલ્મનો સેકન્ડ હાફ શરૂ થાય ત્યારે એવું લાગે કે આ એક અચાનક નવી ફિલ્મ શરૂ થઈ ગઈ કે શું ? કદાચ દર્શકો માટે આ એક વાત સરપ્રાઈઝ એલિમેન્ટ તરીકે કામ કરી પણ શકે. આ ફિલ્મ પરિવાર સાથે માણી શકાય તેવી ઉત્તમ કૃતિ છે. ફિલ્મમાં કેમેરાવર્ક અદભુત છે. પ્રથમવાર ફિલ્મ બનાવવા છતા ધ્રુવ ગોસ્વામી ઘણીખરી જગ્યાએ દ્રશ્યોને બિલકુલ નેચરલ અને વાસ્તવિક બનાવવામાં સફળ થયા છે. બાળકીને શોધતી અને તેના માટે તરફડતી માતાના પાત્રમાં દીક્ષા જોશીનો અભિનય દાદ માંગી લે તેવો છે. રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ હાલરડું “નીંદરું” અને જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલું “માં ગંગા” ગીત દર્શકોને ફિલ્મ સાથે કનેક્ટેડ રાખે છે.
આ ફિલ્મ કંઈક નવું કરવાનો એક ‘સારો પ્રયાસ’ છે. હવે ગુજરાતી દર્શકો તરીકે એટલી ઈચ્છા આપણે બધા રાખીએ કે ગુજરાતી ફિલ્મ સારા પ્રયાસથી આગળ વધીને મજા કરાવે.