જુનાગઢમાં હિટ એન્ડ રન: તથ્ય પટેલની ઉંમરના યુવકે કર્યો ‘કાર’કાંડ, લાઈસન્સ પણ નહોતું
Junagadh Hit & Run : અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ હજુ નબીરાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા, અને બેફામ વાહનો ચલાવે છે. જો કે વાલીઓ દ્વારા પણ તથ્ય પટેલ કેસ બાદ બોધ પાઠ ન લીધો હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ જૂનાગઢમાં પિતાની કાર લઈને રોડ પર નીકળેલા 19 વર્ષના યુવકે એક મહિલાને અડફેટે લીધી અને તે બાદ તે ફરાર થઈ ગયો. જો કે, અકસ્માતની આ ઘટના કેમેરામાં કેદ થઈ જવા પામી હતી અને પોલીસે ફરિયાદી બનીને કેસ નોંધી આરોપીની અટકાયત કરી હતી.
ભજનમાંથી ઘરે જઇ રહેલ મહિલાને નબીરાએ અડફેટે લીધા
જૂનાગઢના જોષીપર વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં સંગીતા રૂપારેલિયા અન્ય 3 મહિલાઓ સાથે ભજનમાંથી ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે જ ત્યાંથી કાર લઈને નીકળેલા 19 વર્ષના વિવેક કડિવારે તેમને અડફેટે લીધા અને પછી તે ફરાર થઈ ગયો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી અને સંગીતાબેનને પગમાં સામાન્ય ઈજા પહોંચી છે એટલે તેમણે પોલીસ ફરિયાદ નહોતી કરી. પણ પોલીસ જ આ ઘટનામાં ફરિયાદી બની અને કાર ચાલક વિવેક કડિવાર સામે ફરિયાદ નોંધાવી.
19 વર્ષના યુવક પાસે નહોતુ લાયસન્સ
પોલીસ પૂછપરછમાં કારચાલક પાસે લાયસન્સ ન હોવાનું અને તે પિતાની કાર લઈને આંટો મારવા માટે નીકળ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જણાવી દઇએ કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસે ઓવર સ્પીડિંગ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મામલે ઝુંબેશ હાથ ધરી છે પણ તેમ છતાં લોકોને કાયદા અને પોલીસની બીક ન હોય તેમ લાગી રહ્યુ છે અને નબીરાઓની એક બાદ એક લોકોને અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી રહી છે.
પોલિસે ફરિયાદી બની કાર ચાલક યુવકની અટકાયત કરી
થોડા દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અનેક કાર હરોળમાં ચલાવી સ્ટંટ કરતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો અને તે બાદ તેને આધારે ટ્રાફિક પોલીસે ફોર્ય્યુનરમાં સ્ટંટ કરનાર ચાલકને દાણીલીમડાથી ઝડપી પાડ્યો હતો અને કાર પણ જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યુ કે રીલ્સ બનાવવા માટે આરોપી મિત્રો સાથે મળીને કાર હરોળમાં ચલાવીને સ્ટંટ કરી રહ્યો હતો.
#જૂનાગઢ: કારચાલકે મહિલાને અડફેટે લીધી…જુઓ #CCTV
જોશીપરાના ગોપાલનગરમાં બની ઘટના
નાની શેરીમાં બેફામ કાર ચલાવી કાર ચાલક ફરાર#Junagadh #Gujarat @SP_Junagadh #ViralVideos pic.twitter.com/6xg2z8WTZE
— Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) July 29, 2023