આવું તે કેવું ઘેલું? મહિલાએ કૂવા પાસે ખતરનાક રીલ બનાવી, માસુમ બાળકનું પણ ના વિચાર્યું, જુઓ

સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં મહિલાએ બાળક સાથે કર્યું જોખમી કૃત્યઆજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં લોકો કેટલાં જોખમી કામો કરી બેસે છે તે જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. આવો જ એક વિડિઓ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક મહિલા નાના બાળકને જોખમમાં મૂકતી જોવા મળે છે.

આ વિડિઓમાં એક મહિલા કૂવાની ધાર પર બેસીને એક નાના બાળકને ખોળામાં લઈને બેઠી છે. તે કોઈ ગીત પર લિપ-સિંક કરતી જોવા મળે છે. આ દરમિયાન તે બાળકને માત્ર એક હાથથી પકડીને રાખે છે. વિડિઓમાં મહિલા બાળકને કૂવા ઉપર હવામાં ઉછાળતી દેખાય છે અને ગીતના તાલે તાલે બાળકને વારંવાર ઉંચે-નીચે કરે છે. બાળક હવામાં લટકતું દેખાય છે અને ડરના માર્યા તેના પગ ધ્રુજતા જોઈ શકાય છે.

આ વિડિઓ શેર કરનાર વ્યક્તિએ વ્યંગાત્મક ટિપ્પણી કરતા લખ્યું છે કે, “પિતા કરતાં માતા જ બાળકને વધુ પ્રેમ કરી શકે છે, એવું ફેમિલી કોર્ટ પણ કહે છે.” જોકે, વિડિઓમાં દેખાતી મહિલા કોણ છે તે સ્પષ્ટ નથી. એ પણ ચોક્કસ નથી કે બાળક તે જ મહિલાનું છે કે નહીં. આમ છતાં, આ બિનજરૂરી અને જોખમી રીતે બનાવવામાં આવેલો વિડિઓ સોશિયલ મીડિયા પર ભારે ટીકાનું કેન્દ્ર બની ગયો છે.

ઘણા લોકોએ બાળકના જીવને જોખમમાં મૂકવા બદલ મહિલાની ધરપકડની માંગણી કરી છે. કેટલાક લોકોએ એવી પણ ટિપ્પણી કરી છે કે આ મહિલાને માનસિક સારવારની જરૂર છે. આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલચમાં લોકો કેટલી હદે જઈ શકે છે અને તેમાં નિર્દોષ બાળકોનું જીવન પણ જોખમમાં મૂકી શકે છે.

આ પ્રકારના વિડિઓ બનાવતા પહેલા લોકોએ વિચારવું જોઈએ કે તેમના કૃત્યથી કોઈના જીવને જોખમ તો નથી થતું ને? વાયરલ થવાની ચાહમાં આપણે આપણી નૈતિક જવાબદારીઓને ભૂલી ન જવી જોઈએ. ખાસ કરીને બાળકો સાથે સંકળાયેલા વિડિઓ બનાવતી વખતે વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

 

kalpesh