દિગ્ગજ એક્ટ્રેસ જયા પ્રદાને મળી 6 મહિનાની જેલની સજા, 5000 રૂપિયાનો દંડ- જાણો શું છે મામલો

Former MP Jaya Prada Sentenced To Six Months Jail : 70 અને 80ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી જયા પ્રદા કાયદાકીય મુશ્કેલીમાં છે. ગયા શુક્રવારે ચેન્નાઈની કોર્ટે અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી જયા પ્રદાને 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. આ સાથે તેના પર 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જયા પ્રદાની સાથે તેના બે બિઝનેસ પાર્ટનર્સ પણ દોષિત ઠર્યા હતા. અહેવાલો અનુસાર, જયા પ્રદા અને તેના વ્યવસાયિક ભાગીદારોએ થોડા વર્ષો પહેલા ચેન્નાઈમાં એક મૂવી થિયેટર ખોલ્યું હતું, પરંતુ નુકસાનને કારણે થિયેટર બંધ કરવું પડ્યું હતું.

જયા પ્રદાને કોર્ટે ફટકારી 6 મહિનાની જેલની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ
બાદમાં જયા પ્રદા પર થિયેટરમાં કામ કરતા કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલી ESI રકમ ન ચૂકવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્ટાફના સભ્યોએ જયા પ્રદા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે બાદ લેબર ગર્વમેન્ટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને જયા પ્રદા અને તેના વ્યવસાયિક ભાગીદારો રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ ચેન્નાઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો. તાજેતરમાં જ આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જયા પ્રદા સહિત ત્રણ લોકોને જેલની સજા ફટકારી હતી અને દંડ ભરવાનો આદેશ પણ આપ્યો હતો.

કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલી ESI રકમ ન ચૂકવવાનો આરોપ
કહેવામાં આવી રહ્યું છે કે આરોપો સ્વીકારીને જયા પ્રદાએ થિયેટર સ્ટાફને બાકી પૈસા ચૂકવવાનું વચન આપ્યું છે. તેણે કોર્ટને કેસ ફગાવવાની પણ વિનંતી કરી હતી. જો કે, કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી અને તેને 5,000 રૂપિયાના દંડ સાથે 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. કર્મચારી રાજ્ય વીમા નિગમે 5 ઓગસ્ટ 2004ના રોજ ફરિયાદ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બર 1991થી સપ્ટેમ્બર 2002ના સમયગાળા દરમિયાન જયા પ્રદા સિને થિયેટર દ્વારા કામદારોને રૂ.8,17,794નું બાકી યોગદાન ચૂકવવામાં આવ્યું નથી.

જયા પ્રદા હાલમાં એક્ટિંગથી દીર રાજકારણમાં સક્રિય
ESIએ કહ્યું કે આરોપીએ કર્મચારી રાજ્ય વીમા અધિનિયમની કલમ 85(a) હેઠળ યોગદાનની ચુકવણી ન કરવાનો ગુનો કર્યો છે, જે કાયદાની કલમ 85(i)(b) હેઠળ સજાપાત્ર છે.જણાવી દઈએ કે જયા પ્રદા પોતાના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે પોતાની કારકિર્દીમાં જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે સૌથી વધુ કામ કર્યું છે. હાલમાં જયા એક્ટિંગથી દૂર રાજકારણમાં સક્રિય છે. તે ભારતીય જનતા પાર્ટીની નેતા છે.

લોકપ્રિય અને પ્રભાવશાળી અભિનેત્રીઓમાં સામેલ છે જયા પ્રદા
જયા પ્રદાને હિન્દી અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગની સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. બાદમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. 1994માં તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) માં જોડાઈ. તે પહેલા રાજ્યસભાના સાંસદ અને પછી લોકસભાના સાંસદ બની. તે લાંબા સમય સુધી યુપીના રાજકારણમાં સમાજવાદી પાર્ટીમાં સક્રિય રહી. 2019માં તે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ.

Shah Jina