હનુમાન જ્યંતી ઉપર ઉપદ્રવ મચાવનારા ઉપર નહિ ચાલે બુલડોઝર ? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ નિમિત્તે થયેલી હિંસા બાદ હવે પ્રશાસને કડકતા દાખવવાનું શરૂ કર્યું છે. હવે જહાંગીરપુરીમાં MCDનું બુલડોઝર ચાલી રહ્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા આજે એટલે કે બુધવારે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે, ડ્રોનથી પણ મદદ લેવામાં આવી રહી છે અને છત પર સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર MCDની આ કાર્યવાહી આજે સવારથી શરૂ થઈ હતી અને 21 એપ્રિલ સુધી ચાલવાની હતી.

ત્યારે હવે આ મામલામાં સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCDની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. અતિક્રમણ હટાવવાની ઝુંબેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. હવે આ મામલે આવતીકાલે સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. યુપી, એમપી અને દેશના અન્ય ભાગોમાં બુલડોઝરની કાર્યવાહી સામે પ્રથમ અરજી દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીના જહાંગીરપુરીમાં MCDની કાર્યવાહી વિરુદ્ધ બીજી અરજી દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે ગેરકાયદે મિલકતો અને અતિક્રમણ સામે MCDનું બુલડોઝર નહીં ચાલે. કોર્ટે જહાંગીરપુરીમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો. એટલે કે આ કાર્યવાહી ચાલુ રહેશે કે પછી તેને અટકાવવામાં આવશે, આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. MCDના બુલડોઝરોએ ઘણા મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો છે, જ્યારે જે ભાગ કાયદેસર હતો તેને છોડી દેવામાં આવ્યો છે.

Niraj Patel